Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડાલી તાલુકાના ભવાનગઢ જંગલમાં દીપડીના બચ્ચા દેખાતા લોકોમાં ભયનો માહોલ

વડાલી:તાલુકાના ભવાનગઢ જંગલ વિસ્તારમાં ગત રાત્રે દિપડી બચ્ચા સાથે દેખાતાં પંથકમાં ઉત્તેજના વ્યાપી હતી. કારચાલકે ૧૯ સેકન્ડનો વિડીયો ઉતારી વાયરલ કરતાં વન વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

જિલ્લામાં ૧૬ થી વધુ દિપડાની હાજરી નોંધાયેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દિપડાની સંખ્યામાં વધારો થતો હોય તે રીતે સાબરકાંઠા અને અરવલ્લીના જંગલ વિસ્તાર તેમજ અન્ય ખુલ્લા મેદાનમાં દિપડી બચ્ચાઓ સાથે દેખા દીધી છે. વર્ષ-ર૦૧૬ પછી વસતી ગણતરી કરવામાં આવી નથી જેના કારણે જિલ્લામાં દિપડાની સાચી સંખ્યા વન વિભાગ પાસે પણ ઉપલબ્ધ નથી.

ગત રોજ કાર લઈને જતા વાહન ચાલકે રસ્તામાં દિપડા જેવું પ્રાણી દેખાતાં કાર થોભાવી અને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું અને વાયરલ કર્યું હતું. એક તબક્કે ઈડર અને ત્યાર પછી વડાલી રેન્જના જંગલ વિસ્તારમાં દિપડી અને તેનું બચ્ચું હોવાનું ફલિત થયું છે. વન વિભાગે આ વિસ્તારના ર૦ કી.મી. ત્રિજ્યામાં દિપડાનો વસવાટ રહેલો છે. વરસાદી વાતાવરણના કારણે દિપડી બચ્ચા સાથે બહાર આવી હોવાનું અનુમાન છે.

(6:49 pm IST)