Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અમદાવાદમાં SGVP ખાતે ઉદ્યોગપતિ વરમોરનું પ્રેરણાદાયી વકતવ્ય યોજાયું

મનની શકિત સ્થિર હોય તો વિચારોમાં સ્ટેબિલીટી આવે, વિચારોની ફ્રીકવન્સી સેટ થાય પછી કઇ અશકય નથી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેમજ ભાજપ પ્રદેશ ઉદ્યોગ સેલના કન્વીનર પ્રકાશભાઈ વરમોરાએ સ્વામીનારાયણ ગુરુકૂલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP-અમદાવાદ) ખાતે આયોજિત કાર્યક્રમમાં મનની અનંત શકિત પર પોતાનું પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું.

ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ વકતવ્યમાં જણાવ્યુ હતું કે દુનિયામાં મોટું રિવોલ્યુશન લાવનારા લોકો પણ સામાન્ય જ હતા. તેમનાથી મહાન કાર્ય થયું, તેનું કારણ એટલું જ હતું કે તેમને કોઈએ મોટી દુનિયા બતાવી એટલે કે તેમને કઈ કરવાનું સપનું જોયું. તેમની સાથેના લોકોની એટલી વિચારશકિત નહતી, તો તેમની મર્યાદા સીમિત રહી. એવું પણ બન્યું હોય કે તેમનાથી પણ મહાન કાર્ય કોઈએ કર્યું હોય કારણ કે તેઓ તેટલું દૂરનું જોઈ શકયા.

પોતાની દુનિયા શરીરથી, મનથી અને આત્માથી જોઈ શકાય છે. પશુ ચેતનાનું લેવલ નીચું હોવાથી તેને માત્ર દ્યાસ એટલે કે ખાવાનું દેખાય. જયારે મનુષ્ય પાસે શરીર પણ છે, મન પણ છે અને આત્મા પણ છે. મનુષ્ય એક એવું તત્વ છે જે પશુ (સામાજિક પ્રાણી) પણ છે, મનુષ્ય પણ છે અને બ્રહ્મ પણ છે. આપણે એક શરીર છીએ, શરીરથી ઉપર મન અને મનથી ઉપર આત્મા છે. પૃથ્વીની ઉત્પતિ અમુક કરોડો વર્ષ પહેલા થયેલી છે, પરંતુ બ્રહ્માંડ તો અનંત વર્ષોથી છે. તો મનુષ્ય પણ બ્રહ્માંડ જેટલી અનંત શકિત કેળવી શકે છે.

મહાત્મા ગાંધી નાનપણમાં સામાન્ય માણસ હતા. કારણ કે ત્યારે તેની ચેતનાનું લેવલ નીચું હતું. આજુબાજુનું વાતાવરણ તેના પર અસર કરતુ હતું. એટલે તેમને માંસ ખાધેલું અને દારૂ પણ પીધેલો. લોકો ડરાવે તો તે ડરી જતા. ધીરે-ધીરે તેમને સાધના કરી અને ગુરુના સંપર્કમાં રહ્યા. તો એક ડરપોક માણસમાંથી તેઓ નિર્ભય વ્યકિત બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજી સહિતના વ્યકિતઓના સંપર્કમાં આવ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની અંતરની શકિત જાગી અને મહાન વ્યકિત બન્યા. ધીરુભાઈ અંબાણી એ વિદેશની દુનિયા જોઈ અને ભારતમાં ઔદ્યોગિક વિકાસ કર્યો.

મનુષ્ય જે જુએ છે તેનાથી, આજુબાજુના વાતાવરણથી પ્રેરિત થતા હોઈ છે. ભૂતકાળમાં જન્મેલા મહાપુરુષો પણ તેના વિચારો રૂપે અત્યારે હયાત છે. અનંત ચેતના હયાત છે, એટલે તેનાથી કનેકશન સાધી શકાય છે. મોબાઈલમાં ટુજી હોય, થ્રીજી હોય, ફોરજી હોય કે ફાઈવજી હોય, તે ઇન્સ્ટ્રુમેન્ટનો પૂરતો ઉપયોગ ન કરીએ અને માત્ર વાતચીત માટે ઉપયોગ કરીએ. તે રીતે આપણી ચેતનાને સીમિત રાખીએ તો કઈ ફાયદો થતો નથી.

મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીને કન્કલુઝન એ નીકળ્યું કે ભાવ જગત મોટું છે. આ જગત ભાવથી ચાલે છે, ભાવ શુદ્ઘિ થાય તો વિકાસ થાય, ભાવ શુદ્ઘિ થાય તો વિચારોની મોટી તાદાદ ઊભી થાય, વિચારોમાં તાકાત આવે તો વાણીમાં પણ તાકાત આવે અને વાણીની તાકાત પછી વર્તનમાં સુધારો થઇ શકે.

ભાવ શુદ્ઘિ માટે શું કરવું પડે? તે જણાવતા પ્રકાશભાઈ આગળ જણાવે છે કે ભાવ તો પ્લસ-માઇનસ થતો હોય, કોરોના કાળમાં લોકોનો ભાવ જાગી જાય કે હું કોઈને મદદ કરું. ત્યારબાદ સહાયની ભાવના ન હોય તેમ બને. ભૂકંપ આવે ત્યારે ઉદ્યોગપતિ પીડિતોની સહાય કરે, પછી સમયમાં પલટો આવે કે સહાય કરવા નીકળેલો ઉદ્યોગપતિ સબસીડી માંગવા નીકળે. ૨૦૦૧માં ભૂકંપ આવે તો જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી, હિન્દુ-મુસ્લિમ એકબીજાની મદદ કરવા લાગે અને ૨૦૦૨માં ભાવ બદલાય તો એવું પણ બને કે કાપાકાપી ઉપર આવી જાય. કારણ કે આ બધાનો આધાર માનવજાતના ભાવ ઉપર રહેલો છે. આમ મનની શકિત (ભાવ) સ્થિર હોય તો વિચારોમાં સ્ટેબિલિટી આવે, વિચારોની ફ્રીકવન્સી સેટ થાય પછી કઈ અશકય નથી.

મનુષ્યનું ભાવજગત સ્થિર રહેતું નથી. આથી, સમૂહ કે સંદ્યનું નિર્માણ કરવામાં આવે છે. કારણ કે કોઈના મનમાં અસ્થિરતા આવે તો અન્ય લોકોની એનર્જીના સપોર્ટથી ગોલ પૂરો કરી શકાય છે. તેના માટે આધ્યાત્મિકતાનું લેવલ પણ ઉચ્ચ રાખવું જોઈએ. દુનિયામાં આવી પુષ્કળ ચિંતન બેઠકો થઈ છે. જેના એજન્ડામાં અનંતનો ભાવ કરવાના બદલે સ્વાર્થ પૂરો કરવા ખાતર એજન્ડા સીમિત રાખ્યો. જેથી, સર્વાંગી વિકાસ ન થઇ શકયો.

૧૯૮૦માં ચીનમાં થોડા લોકો મળ્યા, ચીનને બેકારી-ગરીબીમાંથી બહાર લાવવાનું નક્કી કર્યું તો એ શકય બનાવ્યું. અંગ્રેજોએ 'ડિવાઇડ એન્ડ રૂલ'નો સિદ્ઘાંત લાગુ કરી વર્ષો સુધી દુનિયા પર રાજ કર્યું. સિકંદર ગામડામાં જન્મેલો માણસ. તેના ગુરુ એ નક્કી કરી લીધું કે મારે આને એક વિશ્વ વિજેતા બનાવો છે. ગુરુએ સિકંદર અને તેમની ટીમને તૈયાર કરી. સિકંદરે ૧૬ વર્ષે યુદ્ઘ ચાલુ કર્યા અને ૩૨ વર્ષે આખી પૃથ્વીનો પ્રદેશ જીતી લીધો. શંકરાચાર્ય, ચાણકય જેવા અનેક મહાન પુરુષોએ ધાર્યું તે કરી બતાવ્યું. કારણ કે જે આપણે ધારીએ તે કરી શકીએ છીએ. ગામડાનો વ્યકિત ૩-૪ માળની બિલ્ડીંગ જોતો હોય તો દુબઈની ઊંચી ઇમારતો વિષે સાંભળીને તે માની ન શકે કે આટલા ઊંચા બિલ્ડીંગ હોય, કારણ કે તે તેની કલ્પનામાં નથી. લોકો દ્યણીવાર ક્રાંતિ સ્વીકારી શકતા ન હોય કારણ કે તેની ચેતનાનું લેવલ પશુ ચેતના જેટલું નીચું હોય છે.

આપણું કામ આપણી ચેતનાનું લેવલ વધારવાનું છે અને સામૂહિક ચેતનાનું લેવલ વધારવાનું છે. ઉબેર, મેકડોનાલ્ડ, એમ.આઈ. જેવી અનેક કંપનીઓએ પોતાની પાસે રહેલા રિસોર્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસ સાધ્યો છે. એગ્રીકલ્ચર ની વાત કરીએ તો દ્યણી બધી જમીનો વર્જિન પડી છે એટલે કે ખેડાણ કર્યા વગરની પડી છે. આજે પણ લોકો કેરી ખાધા પછી ગોટલાઓ કચરામાં જવા દે છે, તેનું ફાર્મિંગ થતું નથી. ત્યારે એવું કહી શકાય જે કયાંકને કયાંક ભારતમાં આપણે બધા ધંધાને ધર્મ સમજવામાં ઊણા ઉતર્યા છીએ.

(1:03 pm IST)