Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગાંધી અને સરદારનું ગુજરાત ડ્રગ માફીયા, વ્‍યાંજકવાદીઓ અને મિલ્‍કત માફીયાની સીન્‍ડીકેટમાં ફસાઈ ગયું છે : ભારતના આઝાદીના ઈતિહાસમાં રૂ. ૨૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ અદાણી પોર્ટમાં : ભાજપ સરકારની મીઠી નજર તળે ઉતર્યું છે : રાજ્‍યમાં શૈક્ષણિક વ્‍યવસ્‍થાનું ખાનગીકરણ થઈ રહ્‌યું છે : ફી નિર્ધારણ કાયદો ફી માફીયાઓ પર લગામ કસવાને બદલે ફી વધારી દેવાનું પ્‍લેટફોર્મ બન્‍યો છે : પરેશ ધાનાણી

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં તમામ ખાનગી શાળા-કોલેજોની સંપૂર્ણ ફી માફ કરવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાની આગેવાનીમા કોગ્રેસ પક્ષની માંગણી

રાજકોટ તા.૨૭ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ મહિલા અધ્‍યક્ષ તરીકે શ્રીમતી નીમાબેન આચાર્યની વરણી થતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ તેઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ૧૯૬૦માં બનેલા ગુજરાતમાં લોકશાહીના મંદિર સમાન આ વિધાનસભા ગૃહમાં માનનીય અધ્‍યક્ષશ્રીની ખુરશીનું અનેરું મહત્ત્વ છે. આ ખુરશીએ વિધાનસભાની ગરીમા, પરંપરાને હંમેશા ઉજ્‍જ્‍વળ બનાવી છે. આજે ગુજરાતની લોકશાહીને બચાવવા, સંરક્ષણ કરવાની જવાબદારી આ સભાગૃહે આપને સોંપી છે. એક મહિલા તરીકે સર્વપ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં અધ્‍યક્ષ તરીકે આપની વરણી કરવામાં આવી છે ત્‍યારે એક મા જેમ બાળકોને સીંચે એ જ રીતે વિધાનસભાના ૧૮૨ ધારાસભ્‍યોને સમદૃષ્‍ટિથી સીંચવાનું કામ કરશો, માર્ગદર્શન પૂラરું પાડશો એવી અપેક્ષા રાખું છું. માનનીય અધ્‍યક્ષશ્રીના માર્ગદર્શન તળે મહિલા અને બાળકલ્‍યાણ સમિતિની રચના કરવાની માંગણી વિપક્ષ નેતાશ્રીએ કરી હતી.

શ્રી પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન મગફળીના ટેકાના ભાવો અંગેના પ્રશ્નની ચર્ચામાં પેટા પ્રશ્ન કરતાં જણાવ્‍યું હતું કે, દેશના માન. વડાપ્રધાનશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું દેખાડયું હતું પરંતુ ભાજપ સરકારની નિષ્‍ફળ નીતિઓના કારણે ખેડૂતોની આવક બમણી થવાના બદલે અડધી થઈ ગઈ છે. સરકારના નિષ્‍ફળ શાસનના કારણે રાજ્‍ય અને દેશમાં મોંઘવારી સતત વધીને ચાર ગણી થઈ જવા પામી છે. ત્‍યારે ખેડૂતને તેની ઉપજના પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખેડૂતોનું દેવું દિન-પ્રતિદિન વધતું જાય છે. રાજ્‍યમાં કૃષિ ઉપજોની ટેકાના ભાવે ખરીદીમાં ખુલ્લા બજારમાં ખેડૂતોનો ગુણવત્તાયુક્‍ત માલ ઈરાદાપૂર્વક સરકારના મળતિયાઓ દ્વારા રીજેક્‍ટ કરી દેવામાં આવે છે. ત્‍યારબાદ એ રીજેક્‍ટ કરવામાં આવેલો માલ પાણીના ભાવે લુંટી લેવાય છે અને એ જ માલ ટેકાના ઉંચા ભાવે ગોડાઉનોમાં ભરી દેવામાં આવે છે અને આવા ગોડાઉનોમાંથી મગફળીની જગ્‍યાએ માટી, પથ્‍થર અને કાંકરા મળે છે. ત્‍યારે આ વચ્‍ચેથી મલાઈ કોણ તારવી જાય છે ? તેવો પ્રશ્ન શ્રી ધાનાણીએ કર્યો હતો. તેમજ જે રાજ્‍યમાં કૃષિ ઉપજોની વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૫% ખરીદી કરી, વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૭૦% ખરીદી કરી ત્‍યારે તમામ કૃષિ ઉપજોની ટેકાના ભાવે ખરીદીનો કાયદો વિધાનસભા ગૃહમાં સરકારે લાવવો જોઈએ.

 શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ભાજપના સતત ૨૫ વર્ષના શાસનમાં ગાંધી અને સરદારનું ગુજરાત આજે ડ્રગ માફીયા, વ્‍યાંજકવાદીઓ અને મિલ્‍કત માફીયાની સીન્‍ડીકેટમાં ફસાઈ ગયું છે. આ સીન્‍ડીકેટને ગુજરાતના દરિયાકાંઠે સેઈફ લેન્‍ડીંગ સ્‍પેસ કોણ આપી રહ્‌યું છે ? તેવો સવાલ કરતાં જણાવ્‍યું હતું કે, ભારતના આઝાદીના ઈતિહાસમાં રૂ. ૨૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ અદાણી પોર્ટમાં ભાજપ સરકારની મીઠી નજર તળે ઉતર્યું છે ત્‍યારે સરકારે શરમ કરવી જોઈએ, પરંતુ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ભાજપ સરકારના નેતૃત્‍વમાં પોલીસ માર ખાઈ રહી છે. છેલ્લા અઠવાડીયામાં જ પાંચ જેટલા બનાવો બન્‍યા કે લુખ્‍ખા તત્ત્વો પોલીસને ધોકાવી નાખે, ટીપી નાખે તો પણ સરકારને શરમ નથી આવતી.

કોરોના મહામારીમાં થયેલા ૩ લાખથી વધુ મૃતકોને વિધાનસભા ગૃહમાં સામુહિક શ્રદ્ધાંજલિ આપવા અને કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને નિયમોનુસાર રૂ. ૪ લાખનું વળતર મળે તેવો પ્રસ્‍તાવ વિધાનસભા સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા મૂકવામાં આવ્‍યો હતો પરંતુ સંવેદનશીલતાનું માત્ર મહોરું પહેરનાર ભાજપ સરકાર આવા પ્રસ્‍તાવમાં સંમત થઈ ન હતી. પ્રજાહિતમાં મૂકાયેલ પ્રસ્‍તાવનો અસ્‍વીકાર થતા વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ પક્ષે વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભા ગૃહમાં સન ૨૦૨૧નું વિધેયક ક્રમાંક-૨૧-સન ૨૦૨૧નું ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) વિધેયક રજૂ થયું હતું. વિધેયકની ચર્ચામા ભાગ લેતાં વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ભાજપના ૨૫ વર્ષના સળંગ શાસન પછી પણ આજે રાજ્‍યમાં એવી સ્‍થિતિ પેદા થઈ છે કે સરકારે પોતે જ કરેલા નિર્ણયોને ફરી પાછા સુધારવા પડે છે. આજે રાજ્‍યમાં શૈક્ષણિક વ્‍યવસ્‍થાનું ખાનગીકરણ થઈ રહ્‌યું છે. રાજ્‍યમાં અગાઉ ૧૫ જેટલી સરકારી યુનિવર્સિટીઓ હતી, જે ભાજપના રાજમાં ૯૨ કરતાં વધુ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ મારફત ગુજરાતના ગરીબ-મધ્‍યમવર્ગીય પરિવારનું બાળક મોંઘી ફી ભરવા મજબુર બન્‍યું છે. શિક્ષણમાં વેપારીકરણનું રાજ ઉભું થયું છે, જેથી કેટલાય ગરીબ-મધ્‍યમવર્ગના બાળકોનું ભવિષ્‍ય અંધકારમય બન્‍યું છે. ફી માફીયાઓ તેના ભવિષ્‍યની સાથે ચેડા કરી રહયા છે ત્‍યારે આપણે સહુએ સાથે મળીને તેની ચિંતા કરવી પડશે. ફી નિર્ધારણ કાયદો લાવી ભાજપની સરકાર બની ગઈ પરંતુ આજે આ કાયદો ૮૫% જેટલી ખાનગી શાળા-કોલેજોમાં ફી વધારાનું માધ્‍યમ બન્‍યો છે. આ કાયદો ફી માફીયાઓ પર લગામ કસવાને બદલે તેને ફી વધારી દેવાનું પ્‍લેટફોર્મ બન્‍યો છે.

રાજ્‍ય છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્‌યું છે. કોરોનાની સારવારમાં સામાન્‍ય માણસની બચત ખર્ચાઈ ગઈ છે, આવકો ઓછી થતી ગઈ છે, દેવું વધતું જાય છે અને આવી સ્‍થિતિમાં ગુજરાતના બાળકોનું ભવિષ્‍ય અંધકારમય ન બને તે માટે તત્‍કાલીન શિક્ષણ મંત્રી સમક્ષ ફી માફ કરવા અંગે રજૂઆતો કરવામાં આવેલ. કોરોનામાં શાળા કોલેજો બંધ થઈ, શિક્ષણ અનિશ્‍ચિત થયું, બાળકોને લખવા-વાંચવાની ટેવ ગઈ, ઓનલાઈન શિક્ષણમાં ગરીબ-મધ્‍યમવર્ગીય પરિવારના બાળકો કે જેમને મોબાઈલ લેવાનો વેંત નથી ત્‍યારે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં તમામ ખાનગી શાળા-કોલેજોની સંપૂર્ણ ફી માફ કરવા, ખાનગી શાળા-કોલેજોને પગાર વગેરે આનુષંગિક ખર્ચ માટે ગ્રાન્‍ટ ફાળવવા વિધાનસભા ગૃહમાં નિર્ણય કરવાની માંગણી શ્રી પરેશભાઈ ધાનાણીએ કરી હતી.

(11:58 am IST)