Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીને પણ કોરોના

કોરોના વોરિયર સંક્રમિત ડોક્ટર : ડોક્ટરના નેતૃત્વમાં ૫૦૦૦થી વધુની સારવાર થતી હતી

વડોદરા ,તા.૨૮ : દેશમાં છેલ્લા ૬ મહિનાઓથી કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ૮૫ હજારતી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં પોતાની જંગ હારી ગયા છે. જ્યારે કુલ કેસનો આંકડો ૬૦ લાખને પાર પહોંચી ગયો છે. દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ પણ સંક્રમિત થયા છે. વડોદરા શહેરમાં ૬ મહિનાથી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા કોરોના વોરિયર ડોક્ટર શિતલ મિસ્ત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વોરિયર ડોક્ટરના જલ્દી સાજા થવાની પ્રાર્થના સાથે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતની જાણકારી આપી હતી. ડો. શિતલ મિસ્ત્રી છેલ્લા ૬ મહિનાથી ગોત્રી હોસ્પિટલમાં એડમિનીસ્ટ્રેટીવ નોડલ ઓફિસરની જવાબદારી નીભાવી રહ્યા હતા. તેમના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી હતી. જ્યારે ૪૦૦થી વધુ હોસ્પિટલ સ્ટાફનું તેમના દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.

           આ દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા.કોરોના વોરિયર ડોક્ટરના સંક્રમિત થવાની ખબર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ફોન કરીને ખબર અંતર પૂછ્યા હતા. સાથે જ તેઓ જલ્દીથી સાજા થઈને ફરીથી દર્દીઓની સેવામાં જોડાઈ શકે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વડોદરાની વાત કરીએ તો શહેરમાં અત્યાર સુધીમાં ૧૧,૨૮૦થી વધુ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે જેમાં ૧૭૪ દર્દીઓના મોત થયા છે.અમદાવાદ શહેરમાં જ અત્યાર સુધીમાં ૧૦૦થી વધારે ડોક્ટર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વચ્ચે સુરતમાં પણ એનેસ્થેસિયા સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર સંકેત પટેલ ૪૭ દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા બાદ ચેન્નઈમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક કોરોના વોરિયર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા જામનગર જેવા શહેરોમાં કોરોના માથુ ઉચકી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ ૧.૩૨ લાખ કેસો સામે આવી ચૂક્યા છે. જેમાં ૩૪૦૬ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

(9:29 pm IST)