Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરત કોરોનાનો રિકવરી રેટ વધ્યો પરંતુ નવા સુપર સ્પ્રેડર વધતા તંત્રની ચિંતા વધી

સુરતવાસીઓ માસ્ક વગર નિષ્ફિકર થઈ ને ફરે છે અને કરોડો નો દંડ પણ ભરે છે.

સુરત :મોજીલા સુરતીઓ આફતના સમયે પણ ઉજવણી કરવા માટે ટેવાયેલા છે, અને તેમનો ક્રમ કોરોનાની મહામારીમાં પણ યથાવત રહેવા પામ્યો છે, જોકે મહાનગરપાલિકાનું તંત્ર પણ કડક કાર્યવાહી કરી કોરોનાને ડામવા માટે કામ કરી રહ્યું છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં કુલ પોઝિટિવ (Surat Corona) કેસોની સંખ્યા 20967 થઈ છે. સુરત શહેરમાં 914 પોઝિટિવ દર્દીઓના (Surat Corona) મોત થયા છે.

જોકે મહત્વની વાત છે કે કોરોનાનો રિકવરી રેટ 90 ટકા થયો, 20967 પોઝિટિવ સામે 18864 રિકવર થયા છે. સુરતમાં કોરોના (Surat Corona) હાલ સુરત બહારથી આવેલા લોકો ફેલાવી રહ્યા છે, જેથી તમામ પ્રવેશ દ્વારો પર ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. સાથે સુપર સ્પ્રેડરને પણ શોધવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા સુપર સ્પ્રેડરને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 17 દિવસ ચાલેલા અભિયાનમાં નવા સુપર સ્પ્રેડર શોધવામાં આવ્યા છે. આંકડા પર નજર કરીએ તો રીક્ષા સ્ટેન્ડ પર 1129 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા હતાં.

કેશિયર અને એકાઉન્ટના 1190 ટેસ્ટ કરાયા છે, જેમાંથી 10 પોઝિટિવ આવ્યા છે. કુરિયર અને ફૂડ ડિલીવરી સંસ્થામાં 695 લોકોના ટેસ્ટ પૈકી 9 પોઝિટિવ આવ્યા હતાં. સલુનમાં 650 કરેલા ટેસ્ટમાંથી 1 પોઝિટિવ, ઓટો ગેરેજ માં કરેલા 860 ટેસ્ટમાંથી 8, પાન-ગલ્લા અને ચાની લારી વાળા 855નું ટેસ્ટ કરતાં 7,620 દૂધ ડેરી વિક્રેતાનું ટેસ્ટ કરતાં 3,737 દરજી અને અસ્ત્રી દુકાનદારોના ટેસ્ટ પૈકી 5,767 કરીયાણાનાં દુકાનદારોના ટેસ્ટમાંથી 4, મેડીકલ સ્ટોર અને મેડીકલ રિપ્રેઝન્ટેટિવના 708 લોકોના ટેસ્ટમાંથી 1, પેટ્રોલપંપનાં કર્મચારીઓ 884 ટેસ્ટમાંથી 16 પોઝિટિવ, 834 ખાણીપીણીની લારીવાળાના કરેલા ટેસ્ટમાંથી 12, શાકભાજી અને ફૂટના 1099 વિક્રેતાઓના કરેલા ટેસ્ટમાંથી 8, અનાજ દળવાની ઘંટી 444 દુકાનદારોના કોરોના ટેસ્ટમાંથી 3, ફરસાણની દુકાનનાં 959 કર્મચારીઓમાંથી 12, ટ્રાવેલ્સ એજન્સી અને ઓફીસમાં કરેલા 456 ટેસ્ટમાંથી 1 અને મોબાઈલ શોપમાં 65 ટેસ્ટમાંથી 6 પોઝિટિવ કેસો મળ્યા છે, આમ 17 દિવસમાં થયેલા કુલ 135632 કોરોના ટેસ્ટ પૈકી 114 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

બીજી તરફ સુરતીઓએ નિયમો તોડવામાં કોઈ કસર બાકી રાખી નથી. જ્યારથી સરકારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરના ઉપયોગ કરનારાઓ પાસેથી દંડની વસુલાતના આદેશ આપ્યા છે, ત્યારથી અત્યાર સુધી 2 કરોડનો દંડ વસુલાયો છે. સોશિયલ ડિસ્ટનનું પાલન નહીં કરનારા 20762 સુરતીઓ રૂપિયા 9859330નો દંડ ભર્યો છે. તો માસ્ક નહીં પહેરનારા 23400 લોકોએ 8871543 રૂપિયાનો દંડ ભર્યો છે. જ્યારે રૂપિયા 653400નો દંડ 1520 સુરતીઓએ સેનેટાઇઝરનો ઉપયીગ કરવા બદલ ભર્યો છે. આમ કુલ 47147 લોકો પાસેથી રૂપિયા 20238023નો દંડ વસુલવામાં આવ્યો છે.

(9:00 pm IST)