Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વલસાડમાં વૃદ્ધ મહિલાને છેતરી ગઠિયો બંગડી ઉતરાવી ગયો : વૃદ્ધ દંપત્તિના આશિર્વાદ લેવાના બહાને એક ગઠિયો ઘરે ઘૂસ્યો

વાતમાં ભોળવી વૃદ્ધ મહિલાની બંગડી હાથમાંથી કઢાવી લઇને ફરાર થઇ ગયો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં રહેતાં વૃદ્ધ દંપત્તિના આશિર્વાદ લેવાના બહાને એક ગઠિયો ઘરે ઘૂસ્યો હતો અને તેમને વાતમાં ભોળવી વૃદ્ધ મહિલાની બંગડી હાથમાંથી કઢાવી લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના પગલે પોલીસે આ ઠગોની સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

  વલસાડ રામજી ટેકરા પર દત્ત માધવ એપાર્ટમેન્ટમાં રહેતા વત્સલાબેન શેઠના ઘરે એક ઠગ પહોંચ્યો હતો. તેનો બીજો સાથી નીચે બાઇક પર જ બેઠો હતો. ઘરે પહોંચેલા ઠગે વૃદ્ધ અને વૃદ્ધાને પગે લાગી નવી દુકાન ખોલવાના હોય આશિર્વાદ લીધા અને તેમને રૂ. 500 આપ્યા હતા. તેમજ વાતમાં ભોળવી તેમની બંગડીને અડવાનું જણાવી તેને કાઢીને થેલીમાં મુકવા જણાવ્યું હતુ. જેના પગલે વૃદ્ધા તેમની વાતમાં આવી ગયા અને તેમણે બંગડી કાઢી આપી હતી

  જોકે, ઠગે બંગડી કાઢીને થેલીમાં મુકવાના બદલે પોતાના ખિસીમાં મુકી ફરાર થઇ ગયો હતો.જેની જાણ થતાં વત્સલાબેન શેઠે આ મામલે તેમના પતિને જાણ કરી અને તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. તેમજ સીસીટીવીના આધારે આ ઠગો હોન્ડા શાઇન બાઇક પર આવ્યા હોવાનું પગેરુ મેળવી તેમની તપાસ હાથ ધરી હતી

(6:45 pm IST)