Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

તલોદ તાલુકાના પુંસરી ગામે રાત્રીના સમયે તસ્કરી કરવા ગયેલ ગઠિયાને મુદામાલ હાથ ન લાગતા ઓરડીમાં આગ લગાવી છૂમંતર.....

તલોદ: તાલુકાના પુંસરી ગામના ખેત સીમાડામાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીના ઈરાદે ત્રાટકેલા તસ્કરોએ આતંક મચાવતાં હોબાળો મચી ગયો હતો. બોરકુવાની ઓરડીમાં ચોરી કરવાના ઈરાદે ત્રાટકેલા તસ્કરોને હાથ કોઈ માલમત્તા નહીં લાગતા ઓરડીમાં આગ લગાવી દીધી હોવાની એક પોલીસ ફરિયાદ પુંસરીના ખેત માલિકે તલોદ પોલીસ દફતરે નોંધાવી છે. ગુનાની તપાસ તલોદ પો.સ.ઈન્સ. ગૌતમકુમાર સ્વામિ ચલાવી રહ્યાં છે.

તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત રાકેશભાઈ લવજીભાઈ પટેલએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ખેતરમાં આવેલી બોરકુવા ઓરડીમાં ચોરી કરવાના ઈરાદે અજાણ્યા ઈસમો ઘૂસ્યા હતા. જ્યાં તેઓએ માલમત્તા શોધવા ઉઠાવેલી કાળી રાત્રીની જહેમત એળે જતાં ધરમધક્કો ખાવા મજબૂર બનેલા તસ્કરને ઓરડીમાં આગ લગાડી દીધી હતી. ઓરડીમાં લગાવવામાં આવેલી આગમાં ઓરડીમાં લગાવેલ બોરકુવા માટેનું ઈલેક્ટ્રીક પેનલ બોર્ડસ્ટાર્ટરબે મીટરમેઈન સ્વીચ તથા પ્લાસ્ટીકના ડ્રમટીવાંકીયા જેવી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. તસ્કરો પુંસરી ગામના ખેત સીમાડામાં બોરકુવાઓ ઉપરથી અંદાજીત ૨૦૦ ફુટ જેટ-કેબલ વાયર ચોરી કરીને લઈ ગયા હતા. અહીં અંદાજીત કુલ નુકશાનીનો આંકડો પોલીસ દફતરે રૃા. ૨૪,૦૦૦ નોંધાયો છે. પુંસરી પંથકમાંથી મળતી માહિતી મુજબ પુંસરીના ખેત સીમાડાઓમાંથી સંખ્યાબંધ ખેડૂતોના કેબલની ચોરી થવા પામી છે.

(5:46 pm IST)