Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલઃ ૨૫ થી ૫૦ ટકા ફી માફી અંગે કેટલીક શાળાઓ તૈયાર નથી

અમદાવાદઃ રાજ્યની ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ 50 ટકા અને 25 ટકા ફી માફીની વચ્ચે લટકી ગયુ છે. ખાનગી શાળાના વાલીઓનું મંડળ 50 ટકા ફી માફીની માંગ પર અડગ છે તો ખાનગી શાળાના સંચાલકો 25 ટકાથી વધુ ફી માફી આપવા તૈયાર નથી.

વાલી મંડળના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રી અને ટોચના અધિકારીઓ સાથે બેઠક થવાની છે ત્યારે વાલીમંડળે 50 ટકાથી ઓછી ફી માફી ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકારે બેઠક કર્યા પછી ગયા સપ્તાહે વાલી મંડળો સાથે બેઠક કરી પરંતુ તેમા કોઈપણ નક્કર નિર્ણય લેવાયો નથી. તેના પગલે હવે 29મી સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવીને નિર્ણય લેવાશે. વિજય રૂપાણી બુધવારે કેબિનેટમાં આ ફોર્મ્યુલાને મંજૂરી આપીને બુધવારે જાહેરાત કરે તેવી સંભાવના છે.

આ પહેલા રાજ્ય સરકારે ખાનગી શાળાના સંચાલકો સાથે બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી, પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિર્મય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી. સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી પગલા લે તેના ડરથી ખાનગી સ્કૂલોના સંચાલકો હાલમાં તો 25 ટકા ફી ઘટાડા માટે માની ગયા છે.

આમ ગુજરાતની સ્વનિર્ભર સ્કૂલોના સંચાલકમંડળ સાથે ગયા સપ્તાહે થેલી બેઠકમાં સરકારે સંચાલકોને સમજાવ્યા હતા અને સમાધાનકારી ફોર્મ્યુલા હેઠળ વાલીમંડળોને પણ સમજાવ્યા હતા. વાલીમંડળો હજી સુધી 25 ટકા ફી ઘટાડા સાથે સંમત થયા નથી. તેમની માંગ 50 ટકા સુધીની છે.

આ પહેલા પણ ખાનગી શાળાઓના સંચાલક મંડળ અને વાલીમંડળ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે અમુક બેઠક યોજાઈ ચૂકી છે. પણ આ બેઠકોમાં હજી સુધી સમાધાનની કોઈ ફોર્મ્યુલા પર પહોંચી શકાયું નથી. વાલીમંડળની માંગ છે કે કોરોનાના લીધે તેઓની સ્થિતિ પણ કફોડી છે. કેટલાય લોકો પાસે નોકરીઓ નથી, કેટલાય લોકો અડધા પગારે કામ કરે છે. કેટલાય લોકોને વેતન મળતું નથી અને કેટલાય બેકાર છે ત્યારે ખાનગી સ્કૂલો નફાની આશા કેવી રીતે રાખી શકે. જ્યારે ખાનગી સ્કૂલોના સંચાલકોનું કહેવું છે કે તેઓએ પણ સ્ટાફ સહિતના કેટલાય ખર્ચા માટે ચૂકવણી કરવાની હોય છે.

(5:29 pm IST)