Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરતમાં કોરોનાની રિક્‍વરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો પરંતુ સાજા થયેલા લોકોને ફરી ઇન્‍ફેકશનનું જોખમ થતા કોવિડ ફોલોઅપ સેન્‍ટર શરૂ

સુરત: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે પરંતુ કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ છે. તે માટે સુરત દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પરપ્રાંતી અંદાજે 1.34 લાખ કારીગરો પરત આવ્યા બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં રિકવરી રેટ 90 ટકા થયો છે અને મૃત્યુદર 2.5 ટકા સુધી ઘટ્યો છે પરંતુ કેસોની સંખ્યા સતત વધી રહી છે.

સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ સાજા થયેલા દર્દીઓને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ ઊભું થયું છે. સાજા થયેલા અનેક લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, સાજા થયેલા દર્દીઓ કેટલાક મહિના બાદ હૃદય, ફેફસા અને શ્વાસોશ્વાસની મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોવિડ ફોલોપ સેન્ટર શરૂ કર્યું છે.

કોવિડમાંથી સારા થયા બાદ જે તકલીફ થઈ રહી છે તે શા માટે થાય છે તેની માહિતી મેળવવામાં આવશે. સુરત બહારથી સિટીમાં આવી રહેલા લોકોમાં પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે. ચેક પોઇન્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ચેકિંગમાં કુલ 1394માં 380 કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે હીરા ઉદ્યોગ બાદ હવે ટેકસટાઈલ ઉધોગમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યો છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટેકસટાઇલ ઉધોગમાં પણ વધુમાં વધુ ટેસ્ટો શરૂ કર્યા છે.

(4:29 pm IST)