Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરીની લાલચ આપી તાલીમમાં મોકલાયેલા આદિવાસી યુવાનો છેતરાયા હોવાના આક્ષેપ સાથે આવેદન

ટ્રાઇબલની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આદિવાસી યુવાનોનો આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા વાતો થઇ રહી છે જેની વચ્ચે એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી યુવાનોને સિક્યોરિટીની તાલીમ આપ્યા બાદ નોકરીએ ન લેવાતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ઉપરાંત ટ્રાઇબલ ખાતા માંથી તેમના નામે ગ્રાન્ટ ખવાઈ ગઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કરી આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
  આવેદન માં જણાવ્યા મુજબ ગયા વર્ષે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપળા પ્રાયોજના વહીવટદારની કચેરી ટ્રાયબલ સબ પ્લાન ના સહયોગ થી જિલ્લા વિકાસ અધિકારી ડો. જીન્સી વિલિયમ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિષય સંદર્ભે તાલીમ માટે ઓક્ટોબર 2019 માં રક્ષા એકેડમી તરફથી રાજપીપળા મોકલાયા બાદ તેમને સિક્યોરિટી સર્વિસની પસંદગી પામેલા ૩૦ જેવા યુવાનો સાથે આંધ્રપ્રદેશ ખાતે તાલીમ માં લઈ જવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તાલીમ બાદ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિક્યોરિટી માટે નોકરી પર રાખવામાં આવશે પરંતુ આજે આ વાતને એક વર્ષ પૂરું થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સિક્યુરિટી એજન્સી કાર્યરત છે જેમાં અમને કોઈ પૂછતું નથી અમે એજન્સી ના લોકોને વારંવાર સવાલ પૂછતા યોગ્ય ઉત્તર પણ મળતો નથી આમ અમને પ્રતિત થઈ રહ્યું છે કે અમારી તાલીમ અને અમારા નામે ખાલી ટ્રાયબલ ડિવિઝનમાંથી ગ્રાન્ટ હડપવામા આવી હતી આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે જેથી હવે આપ અમને સાત દિવસ માં યોગ્ય નોકરી ન આપી શકો તો અમારા નામે જે ગ્રાન્ટ લેવામાં આવી છે એ અમને પાછી આપવામાં આવે તેવી આવેદન દ્વારા માંગ કરવામાં આવી છે.
જોકે આવેદનમાં લગાવાયેલા આક્ષેપો સાચા છે કે કેમ અને તેમાં કોની સંડોવણી છે એ બાબત તપાસ બાદ જ બહાર આવશે.

(3:14 pm IST)