Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ

દરરોજ બે સેશનમાં પરીક્ષા લેવાશે : પરીક્ષા કેન્દ્ર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા

રાજકોટ, તા. ૨૮ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક કે બે વિષયોમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનો આજથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે.

ગુજરાત રાજયમાં ૧,૪૦,૭૮૮ પરીક્ષાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા આપવા ફોર્મ ભર્યા હતા. ગુજરાત રાજયના ૩૫ ઝોનમાં પરીક્ષા લેવાશે. ગુજરાતના ૩૪૮ પરીક્ષા કેન્દ્રોમાં ૩૦૫૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે પરીક્ષામાં વધુ ફોર્મ ભરાયા હોવાથી સવાર અને બપોર બે સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે.

દરરોજ અલગ અલગ વિષયોની પરીક્ષા લેવાશે. એક સપ્તાહ સુધી આ ચાલનારી પરીક્ષામાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યુ છે.

પરીક્ષાર્થીઓનું પ્રવેશ દ્વારે થર્મલ ગનથી ચેકીંગ થયું. સેનેટાઈઝર તેમજ માસ્કની અને સોશ્યલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

(3:10 pm IST)