Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ગાંધીનગરમાં ખેડૂત સમર્થનમાં કોંગ્રેસની કૂચઃ પોલીસના ધાડાઃ નેતાઓની અટકાયત

કૃષિ બીલના વિરોધમાં યોજેલી પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના હોદ્દેદારોની અટકાયતો કરી લેવાઇ : ડો. આંબેડકરજીની પ્રતિમાથી સચિવાલય સુધી પોલીસ વાહનોના ઢગલે ઢગલા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ખેડૂત વિરોધી ખરડા સામે ખેડૂતોના સમર્થનમાં આજે સવારે ૧૦ વાગ્યાથી ગાંધીનગરના ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા (વિધાનસભા સામે, સચિવાલય) ખાતે એકત્ર થઈ કૂચ / રેલી સ્વરૂપે રાજભવન  સુધી પદયાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા સહિત કોંગી નેતાઓની હાજરીમાં કરાયુ હતું. ત્યારે ગાંધીનગરમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

આ પદયાત્રા સંદર્ભે ગાંધીનગર શહેરના તમામ સર્કલો ઉપર રાજય સરકારના ગૃહમંત્રીની સુચનાથી પોલીસતંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સચિવાલય વિધાનસભાના રોડ ઉપર સાવચેતીના પગલારૂપે પોલીસવાનો તેમજ પાણીના ટેન્કરના વાહનોનો ઢગલો કરી દેવામાં આવ્યો હતા.

દરમિયાન કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં યોજાયેલી આ કુચને આગળ વધતી અકાવવા પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા સહિતના મુખ્ય નેતાઓની પોલીસના ધાડેધાડા ઉતારી અટકાયતો કરી અને કૂચને આગળ વધતી અટકાવી હતી.

કોંગ્રેસની પદયાત્રા શરૂ થતાં જ ઉમટી પડેલા કાર્યકરો અને નેતાઓએ 'ખેડૂત વિરોધી સરકાર નહી ચલેગી', 'ખેડૂતોને ન્યાય આપો' જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કુચ આગળ વધારવા પ્રયાસ કરતા જ સ્થળ પર હાજર પોલીસે નેતાઓ - કાર્યકરોની અટકાયતો શરૂ કરતા સ્થળ પર ઝપાઝપી - ભાગદોડના દૃશ્યો સર્જાયા હતા.

કૃષિ બિલના વિરોધમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા નિવેદન આપતા જણાવ્યું કે, 'ખેડૂત વિરોધી કાળા કાયદા પસાર કરાયા છે. ખેડૂતોને ટેકાના ભાવ નહીં મળે. ખેડૂતો પોતાના જ ખેતરમાં ગુલામ બનશે. ખેડૂતોની હાલત પહેલેથી જ ખરાબ હતી. દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ શાસન ચાલે છે. પહેલે લડે થૈ ગોરો છે અબ લડેગે ભાજપ કે ચોરો સે.'

અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કૃષિ બિલનો સમગ્ર દેશમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં આજે દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવાં વિસ્તારોમાં આની વ્યાપક અસર જોવા મળી છે. સોમવારે સવારે દેશની રાજધાની દિલ્હીનાં રાજપથ પર બિલની વિરૂદ્ઘમાં લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક ટ્રેકટરમાં આગ પણ ચાંપી દીધી હતી

દરમિયાન આજે કોંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ એકત્ર થઈ અને ભાજપ સરકારના કૃષિ બીલનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામ લોકોને ડિટેઈન કર્યા હતા.

આ બિલના વિરોધમાં ગુજરાતના દરેક શહેર-જિલ્લામાંથી કોંગ્રેસીઓને ગાંધીનગર કૂચ કરવા આદેશ અપાયો છે, વહેલી સવારથી જ વિરોધ શરૂ થઈ ગયો હતો. જો કે પોલીસ પહેલાંથી જ એલર્ટ થઈ ગઈ હોવાથી વિરોધ કરે તે પહેલાં જ અનેકની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. આવું ગુજરાતના અનેક શહેરોમાં બનવા પામ્યું હતું અને કોંગ્રેસી નેતાઓ-કાર્યકરો વિરોધ કરે તે પહેલાં જ તેમને નજરકેદ કરી લેવામાં આવતાં વિરોધ વધુ વકર્યો હતો  અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલાં ૩ બિલો પાસ થયાં હતાં. તેના વિરોધમાં દેશભરમાં ખેડૂતો અને વિપક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બિલો પર હસ્તાક્ષર કરી તેને મંજૂરી આપી દીધી હતી.

(2:51 pm IST)