Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજ્યમાં માસ્ક નહી પહેરાનાર ૧૭.૨૫ લાખ લોકો પાસેથી ૫૨.૩૫ કરોડનો દંડ વસૂલાયો

કોરોનાને કાબુમાં લેવાના બહાને રીતસર દંડનું ઉઘરાણું શરુ: રાજકીય પક્ષો માટે મૂકપ્રેક્ષક

અમદાવાદ : એક તરફ કોરોનાના સંક્રમણ વચ્ચે રાજકીય પક્ષોની રેલીઓ નીકળે હજારોની ભીડ એકઠી થાય, રાસડા લેવાય,જેમાં કાર્યકરો માસ્ક ન પહેરે અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડે તેમ છતાં પોલીસ મૌન બની તમાશો નિહાળે છે, બીજીતરફ પોલીસ કોરોનાના બહાને સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો વ્યક્તિ દીઠ રૂ.૧,૦૦૦ દંડ ફટકારે છે, છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે ગુજરાતમાં માસ્ક ન પહેરાનાર ૧૭.૨૫ લાખ લોકો પાસેથી રૂ.૫૨.૩૫ કરોડ જેટલી માતબરની રકમનો દંડ ઉઘરાવ્યો છે લોક ડાઉન પછી ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ત્યારે પોલીસે કોરોનાને કાબુમાં લેવાના બહાને રીતસર દંડનું ઉઘરાણું શરુ કર્યુ છે.તેવો વસવસો વ્યક્ત થઇ રહયો છે 

કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા માટે તથા કોરોનાના સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ અને કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમિયાન પહેરા ઉપર માસ્ક પહેરેલ ન હોય અથવા ચહેરો કોઇપણ કપડાથી ઢંકાયેલો ન હોય તો સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લા શહેરમાં જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અંગે તથા જાહેરમાં થુંકવા બાબતે દંડ વસૂલવા માટે આદેશો કરવામાં આવ્યા છે. ગુજરાતોમાં તા. ૧૫-૦૬-૨૦૨૦થી તા. ૨૪-૦૯-૨૦૨૦ સુધીમાં ૧૭,૨૫,૮૭૭ લોકો પાસેથી રૃા. ૫૨,૩૫,૬૧,૮૦૦ જેટલી માતબરની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

કોરોનાના સંક્રમણ રોકવાના બહાને ગુજરાતમાં પોલીસ દ્વારા ઠેર ઠેર વાહન ચાલકોને રોકીને માસ્ક ન પહેર્યું હોય તેવા લોકો પાસેથી વ્યકિત દીઠ રૃા. ૧,૦૦૦ લેખે દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જો કે કેટલીક પોલીસ જાહેરનામાના બહાને એક હજારના બદલે કાર્યવાહી નહી કરવાનું કહીને ૨૦૦, ૫૦૦ રૃપિયા પડાવી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે

(12:00 pm IST)