Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

લોકડાઉનમાં કરફયૂ ભંગ બદલ વાહન ડિટેઈન-દંડ ભરવા દબાણ ન કરી શકાય

મોટર વ્હિકલ એકટ કરફ્યૂ ભંગ માટે લાગુ પડી શકે નહીઃ કોર્ટ : કોર્ટે તાત્કાલિક વાહન પરત કરવા માટે આદેશ કર્યો

અમદાવાદ, તા.૨૮: અમદાવાદ  મોટર વ્હિકલ એકટની કલમ ૨૦૭ મુજબ કરફયૂ ભંગ માટે લાગુ પડી શકે નહીં તથા કરફ્યૂ ભંગ માટે દંડ લેવાની આરટીઓને કોઈ સત્તા નથી કે કરફ્યૂ ભંગના એક માત્ર કારણે મોટર વ્હિકલ એકટની કલમ ર૦૭ અન્વયે વાહન ડિટેઈન કરી શકાય નહીં કે ખોટા મેમો બહાલ રાખી શકાય નહીં તેમ એડિશનલ સેશન્સ જજ પી.એમ-રવલે એક રિવિઝન અરજીમાં ઠરાવ્યું

શહેર પોલીસ દ્વારા લોકડાઉનમાં મોટર વ્હિકલ એકટની કલમ ૨૦૭ લગાવીને વાહનચાલકોને મેમાં આપવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા વાહનચાલક પાસેથી રૂ.૫૦૦થી ર૦૦૦ હજાર સુધી દંડ વસૂલવામાં આવ્યો હતો. તો બીજી તરફ દાણીલીમડાના વાહન ચાલક શબાનાબાનું બસીરભાઈ શેખે પોલીસ દ્વારા આપવામાં આવેલ મેમો ગેરકાયદેસર હોવાનો ઉલ્લેખ કરીને કોર્ટમાં પડકાર્યો હતો, પાલડી પોલીસ દ્વારા લોકડાઉનમાં મોટરસાઇકલ ડિટેઈન કરીને કરફયૂ ભંગ અને મોટર વ્હિકલ એકટની કલમ ૨૦૭ મુજબ મેમો આપ્યો હતો. વાહનચાલકે મેટ્રોપોલિટન કોર્ટમાં મેમાને પડકારતા પાલડી પોલીસની કાર્યવાહી યોગ્ય ઠેરવવામાં આવી હતી. આ હુકમ સામે વાહનચાલકે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. આ રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કરીને વાહનચાલકની અરજી ગાહ્ય રાખી છે. કોર્ટે નોંધ્યું છે કે, લોકડાઉનના કપરા સમયમાં કરફયૂ ભંગના એક માત્ર ગુનામાં પોલીસ મોટર વ્હિકલ કલમ ૨૦૭ લાગુ ન પડતી હોવા છતાં તેના દંડ ભરવા દબાણ કરી શકાય નહીં. કરફ્યૂ ભંગની ફરિયાદ કરવાની જગ્યાએ ખોટી રીતે એમ.વી. એકટની કલમ ૨૦૭નો દુરુપયોગ કરી ટ્રાફ્રિક એન.સી. કરી વાહન ડિટેઇન કરેલ હોવાનું હાલના કેસમાં જણાય છે. કોર્ટે તાત્કાલિક વાહન પરત સોપવા માટે પણ હુકમ કર્યો હતો. કોર્ટે તાત્કાલિક વાહન પરત કરવા માટે આદેશ કર્યો હતો.

(11:46 am IST)