Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોરોના વાઇરસથી રક્ષણ કરતા માસ્ક હવે ફેશન આઇકોન !

રૂ.૧૦ કે તેથી ઓછી કિંમતે માસ્ક ઉપલબ્ધ : માસ્ક બનાવવાનો ગૃહઉદ્યોગ ખિલ્યોઃ સુરક્ષા સાથે મેચિંગ માસ્કનો જમાનો : ચૌરે-ચૌટે પથારા લગાવી માસ્કનું વેચાણ શરૂ થયું

વડોદરા : કોરોના વાઇરસથી બચવા માસ્ક પહેરવાનું ફરજિયાત છે. જાહેરમાં માસ્ક ન પહેરનારને રૂ.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં ફેન્સી અને મેચિંગ માસ્કે ધૂમ મચાવી છે. જે સાથે સિવણકામ કરી પરિવારનું જીવન નિર્વાહ કરતી હજારો ગૃહિણીઓને રોજી-રોટી કમાવવાનું નવું ક્ષેત્ર પ્રાપ્ત થયું છે.

શહેરના ચૌરે-ચૌટે રંગબેરંગી-ફેશનેબલ માસ્કના પથારા લાગ્યા છે. ૬ મહિના પૂર્વે માસ્કની શોર્ટેજ હતી પરંતુ સમયની બલિહારી સાથે હવે નયનરમ્ય મેચિંગ માસ્કનો જમાનો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માત્ર રૂ.૧૦ના ભાવે કે તેથી ઓછી કિંમતે ડઝનના ભાવે ફેન્સી માસ્ક વેચાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે લોકડાઉન દરમિયાન રોજી-રોટી ગુમાવનારા પરિવારોને માસ્ક સિવીને વેચવાના વ્યવસાયે નવી દિશા ચિન્ધી છે. ટેલરને ગ્રાહકો કહેતા થયા છે કે અમોને મેચિંગ માસ્ક બનાવી આપજો. કાયમી ગ્રાહકોને સાચવવા માટે ટેલર માસ્ક તૈયાર કરવાનો કોઇ ચાર્જ પણ લેતા નથી. જે સન્નારીઓ થોડા મહિના પૂર્વે કહેતી હતી કે અમોને માસ્ક પહેરવાનું ફાવતું નથી. માસ્ક પહેરવાથી ગૂંગળામણ થાય છે એવી સન્નારીઓ પણ હવે હોંશે-હોંશે મેચિંગ માસ્ક પહેરતી થઇ છે. કોરોનાના કપરાકાળે માસ્ક પહેરવાથી પ્રદુષણ, બેકટેરિયા, ધૂળની રજકણો તેમજ તડકાથી રક્ષણ મળે છે. મેડિકલ સ્ટોર્સ, પ્રોવિઝન સ્ટોર્સ, ગિફ્ટ શોપ સહિત મોટાભાગની દુકાનો તેમજ શો-રૂમ્સમાં સ્કીમ સાથે માસ્ક વેચાતા થયા છે. શહેરના ટેલર્સે જણાવ્યું હતું કે કોટનના માસ્ક પરસેવો શોષતા હોવાપરાંત ગરમી ઓછી લાગતી હોઇ શ્રેષ્ઠ છે.

થ્રી-લેયર માસ્ક માટે કોટનના કપડા સાથે સાદુ-પાતળુ અસ્તર મુકવામાં આવે છે. પ્લેટવાળા માસ્ક માટે ત્રણ ચપટીની ડિઝાઇન સિવવી પડે છે. તદુપરાંત રાઉન્ડ કટ ફેન્સી માસ્ક પણ તૈયાર કરાય છે. સાદા માસ્ક માત્ર પાંચ મિનિટમાં તૈયાર કરાય છે. જયારે રાઉન્ડ કટ ફેન્સી માસ્ક બનાવતા ૧૫ મિનિટનો સમય લાગે છે. માસ્ક તૈયાર કરવા સાથે તેને દોરી કે ઇલાસ્ટીક લગાવવામાં આવે છે.

(11:46 am IST)