Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ડ્રગ્સ માફિયાઓ-ડ્રગ્સ ડીલરો-બાળ તસ્કરી કરનારાઓનું સ્થાન સમાજમાં નહિં જેલમાં હોવુ જોઇએઃ આશિષ ભાટિયા

લતીફ-તાજીયા ગેંગ સહીત અનેક ગેંગોનો એક યુગમાં સફાયો કરનારા રાજયના મુખ્ય પોલીસ વડાએ બોટાદ રૂબરૂ આવી તાકીદની બેઠક યોજી :કડક કાયદાની અમલવારી પણ લોખંડી હાથે થશેઃ રેન્જ ડીઆઇજી અશોક યાદવ-એસપી જયપાલસિંહ રાઠોડ-એસપી નિલિપ્ત રાય અને બોટાદના એસપી હર્ષદ મહેતા સહીતના ભાવનગર રેન્જના ટોચના અધિકારીઓની બેઠકમાં રણનીતી તૈયાર

આશીષ ભાટીયાએ બોટાદમાં વિડીયો કોન્ફરન્સીંગના બદલે રૂબરૂ બેઠક યોજીઃ રાજયના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા મુખ્ય પોલીસ વડાએ રાજય સરકાર દ્વારા ઘડાયેલા નવા કાયદાનું ચુસ્તપણે અમલ કરાવવા બાબતે પોતે કેટલા ગંભીર છે તેની પ્રતિતિ કરાવવા બોટાદ ખાતે ભાવનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજી તે પ્રસંગની તસ્વીરમાં ડીજીપી આશીષ ભાટીયા, ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડ, અમરેલી એસપી નિલિપ્ત રાય તથા બોટાદ એસપી હર્ષદ મહેતા વિગેરે દ્રષ્ટિગોચર થાય છે. આશીષ ભાટીયાનું સ્વાગત ભાવનગર રેન્જ ડીઆઇજી અશોક યાદવ વિગેરે દ્વારા કરવા સાથે તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

રાજકોટ, તા., ર૮: ડ્રગ્સ માફીયાઓ, ભૂમી માફીયાઓ અને બાળકોની તસ્કરી કરતી ગેંગોનું સ્થાન સમાજમાં નહિં, જેલમાં જ હોવુ જોઇએ તેમ રાજયના પોલીસવડા આશીષ ભાટીયાએ જણાવી આવા સમાજદ્રોહી તત્વો પર ધોંસ બોલાવવા સુચના આપવા સાથે ચોક્કસ રણનીતિ અંગે મહત્વની ચર્ચા ભાવનગર જીલ્લાના બોટાદની મુલાકાત લઇ બોટાદ ખાતે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ, ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડ, અમરેલી એસપી નિર્લિપ્ત રાય, બોટાદના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા વિગેરે સાથે ખાસ બેઠકમાં જણાવ્યું હતું.

અમદાવાદને લતીફ તથા અન્ય ગેંગોમાંથી મુકત કરવામાં એક યુગમાં જેનો સિંંહફાળો હતો તેવા ગુજરાતભરની ક્રાઇમ કુંડળીથી સુપરીચીત આશીષ ભાટીયા ચોક્કસ બાબતો સંદર્ભે વિડીયો કોન્ફરન્સીંગ કરવાના બદલે ભાવનગર પંથકના બોટાદ જેવા નાના જીલ્લા સુધી રૂબરૂ આવી પોલીસ તંત્રને કાયદો-વ્યવસ્થા પ્રત્યે કેટલા ગંભીર છે તેની આડકતરી રીતે પ્રતીતી કરાવી અસામાજીક તત્વો પર તુટી પડવા આદેશ આપ્યાનું ચર્ચાય છે.

ઉચ્ચ અધિકારીઓની આ બેઠકમાં રાજય સરકાર દ્વારા ગુન્હાખોરીને જડમૂળથી ઉખેડવા માટે પ્રયાસો ચાલી રહયા છે ત્યારે સરકાર દ્વારા ઘડવામાં આવેલ પાસા સહીતના નવા કાયદાનું અસરકારક અમલીકરણ થાય તે જોવા સુચના આપવામાં આવી હતી. આશીષ ભાટીયાએ ભૂમાફીયાઓનું લીસ્ટ તૈયાર કરી તેઓની સામે આકરા પગલા લઇ ખોં ભુલાવી દેવા કડક સુચનાઓ આપી હતી. આશીષ ભાટીયાનું સ્વાગત બનાસકાંઠા એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન એક ડઝનથી વધુ કસાઇઓને પાસાના પીંજરે પુરનારા ડીઆઇજી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ, એસપી નિર્લિપ્ત રાય અને બોટાદ જીલ્લાના એસપી હર્ષદ મહેતા વિગેરે દ્વારા થયું હતું. બેઠકમાં ડીવાયએસપી કક્ષાના ત્રણેય જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા જામનગર જીલ્લાની ક્રાઇમ કુંડળીની ઝીણવટભરી માહીતીઓ એકત્રીત કરવા સાથે તુર્તમાં જ અસરકારક રણનીતી તૈયાર થનાર હોવાનું ગાંધીનગરના સુત્રો જણાવે છે.

(11:25 am IST)