Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરત: હીરા અને કાપડ માર્કેટમાં છેલ્લાં 7 દિવસમાં 182 લોકો કોરોના પોઝિટિવ: વેપારીઓમાં ફફડાટ

શહેરમાં ઉદ્યોગ-ધંધા અને હીરાબજાર તેમજ કાપડ માર્કેટમાં સુપર સ્પ્રેડરની ભીતિ

સુરત : સમગ્ર રાજ્યમાં કોરોના કહેર સતત વધતો જાય છે ત્યારે અનલોકમાં સુરતના  ઉદ્યોગ-ધંધા અને હીરાબજાર તેમજ કાપડ માર્કેટ ધમધમતા થયા છે પરંતુ સુરતના માર્કેટ કોરોનાનાં સુપર સ્પ્રેડર બની રહ્યાં હોય તેમ જણાય છે સુરતના માર્કેટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે  હીરા અને કાપડ માર્કેટમાં છેલ્લાં 7 દિવસમાં 182 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.

જો કે સુરતમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સંક્રમણને અટકાવવા માટે અડીખમ છે. કોરોનાને હરાવી ડૉક્ટરો ફરીથી સેવામાં લાગી ગયા છે. 125 ડૉક્ટરો, 88 નર્સિંગ સ્ટાફ કોરોનાને મ્હાત આપી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ફરીથી સેવામાં જોડાઇ ગયા છે. પરંતુ હજી પણ સુરતમાં હાલમાં 10 ડૉક્ટરો અને 2 નર્સ સારવાર હેઠળ છે. અત્યાર સુધી સુરતમાં 2 નર્સિંગ સ્ટાફનું કોરોનાથી મોત પણ થયું છે.

કોરોના કેસોની જો વાત કરીએ તો સુરત શહેરમાં 160 અને જિલ્લામાં 109 કેસો સાથે રવિવારે કોરોનાના વધુ 269 પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. આ સાથે જ શહેરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 28258 થઈ ગઈ છે. રવિવારે શહેરમાં વધુ બે પોઝિટિવ દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સાથે જ શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 914 થઇ ગયો છે. રવિવારે શહેરમાંથી 183 અને જિલ્લામાંથી 122 કોરોના પોઝિટિવ કેસો મળીને 305 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થતા તેમને રજા આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જીવલેણ કોરોનાના પોઝિટિવ કેસો (Corona Positive Case) સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાને માત આપનારા દર્દીઓ પણ હવે ધીમે-ધીમે વધવા લાગ્યાં છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 1411 નવા કેસો (Corona Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 10 લોકોના મરણ (Corona Death) નોંધાયા છે.

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારના નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,33,219 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ રાજ્યમાં અત્યાર સુધી 3419 લોકોને ભરખી ચૂક્યો છે.

નવા પોઝિટિવ કેસોમાં સૌથી વધુ સુરત જિલ્લામાંથી 269 દર્દીઓ મળી આવ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાંથી 197 નવા કેસ નોંધાયા છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં 171, વડોદરામાં 133, જામનગરમાં 99 અને ગાંધીનગર જિલ્લામાં 45 કોરોના સંક્રમિતો મળી આવ્યાં છે

(10:30 am IST)