Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમદાવાદથી અપહૃત સગીરાને ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે મુક્ત કરાવી :પોલીસ સગીરા અને આરોપીને લઈ ગુજરાત રવાના

મોબાઈલ લોકેશનના આધારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે હોટલમાં રેડ કરી આરોપીને ઝડપ્યો અને સગીરને મુક્ત કરાવી

અમદાવાદમાંથી એક સગીરાનું અપહરણ કરાયું હતું,આ સગીરાનું અપહરણ કરનારા આરોપી ઇન્દોર ક્રાંઇમ બ્રાંચે ઇન્દોરથી ઝડપી લીધો હતો. ઇન્દોર પોલીસે આ સગીરા અને આરોપી બન્નેને અમદાવાદ પોલીસને સોંપ્યા છે. હાલ પોલીસ સગીરા અને આરોપીને લઈ ગુજરાત આવવા રવાના થઈ છે.

   ઈન્દોર પોલીસને ગુજરાત પોલીસ દ્વારા બાતમી મળી હતી કે, અમદાવાદમાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે અને સગીરાનું અપહરણ કરનારો આરોપી સગીરા સાથે ઈન્દોર પહોંચી ગયો છે. તેનું છેલ્લું લોકેશન ઈન્દોર બતાવી રહ્યું છે. ઈન્દોર પોલીસે સમગ્ર મામલાની તપાસની જવાબદારી ઇન્દોર ક્રાઇમ બ્રાંચ સોંપી હતી અને ઇન્દોર ક્રાઈમ બ્રાંચે એક હોટલમાંથી યુવતીને બહાર કાઢી આરોપીની ધરપકડ કરી હતી. આ બાબતે તેમને ગુજરાત પોલીસને જાણ કરી હતી.

   અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે તેનું અપહરણ કરનારો આરોપી સગીરા સાથે ઈન્દોર તરફ ગયો છે તેવી માહિતી મળી હતી અને તેનું છેલ્લું લોકેશન પણ ઈન્દોર બતાવી રહ્યું છે. આ માહિતીના આધારે ઈન્દોર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી અને ઇન્દોર પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતનો યુવાન ઇમરોઝ નફીસ એક હોટલમાં રોકાયો છે.

  માહિતીના આધારે પોલીસે હોટલ પર રેડ કરી હતી. આ રેડમાં યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેની સખત પૂછપરછ કરતા યુવકે જણાવ્યું કે, તેણે અમદાવાદથી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ઇન્દોર લઈ આવ્યો હતો. આ આરોપી પાસેથી સગીરાને સુરક્ષિત રીતે રેસ્કયૂ કરવામાં આવી છે. ઇન્દોર પોલીસે આ સગીરા અને આરોપી અમદાવાદ પોલીસને સોંપ્યા છે. હાલ પોલીસ સગીરા અને આરોપીને લઈ ગુજરાત આવવા રવાના થઈ છે.

(10:56 pm IST)