Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દાંતીવાડાના મોટી મહુડી ગામે એસટી બસે બે રાહદારીઓને અડફેટે લીધા: એકનું મોત

બસ ચાલકે દુકાનની જાળી તોડી અને વીજ ડીપીને પણ ધરાશાઈ કરી

 

દાંતીવાડા તાલુકામાં અકસ્માતોની વણજાર શરૂ થઇ હોય તેમ અકસ્માતો સર્જાઈ રહ્યા છે મોટી મહુડી ગામે દૂધ ભરાવી આવતા બે યુવાનનોને એસટી બસના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે, એસટી બસની સ્પીડ એટલી હતી કે બે યુવાનોને ટક્કર મારી બાજુમાં દુકાનની જાળી તોડી અને વીજ ડીપીના થાંભલા પણ પાડી દીધા હતા.

   મળતી વિગત મુજબ દાંતીવાડા તાલુકાના મોટી મહુડી ગામમાં ડીસાથી પાંથાવાડા ચાલતી એસટી બસના ડ્રાયવરે ગામની દૂધ મંડળી ઉપર દૂધ ભરવાની આવતા બે યુવાનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ગામના ચૌધરી રમેશભાઈ રત્નાભાઇ (ઉમર 22 ) નામના  યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું અને તેના મામાના દીકરાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઇ હતી.

  એસટી બસની સ્પીડ વધુ હોવાથી બંનેનો અકસ્માત કરીને બાજુમાં આવેલી દુકાનની આગળના ભાગની જાળી તોડી વીજ ડીપીને પણ તોડી પાડી હતી. અકસ્માતના પગલે લોકો એકઠા થયા હતા અને બંનેને બસની નીચેથી કાઢી રહ્યા હતા તે દરમિયાન બસ ડ્રાયવર અને કંડક્ટર અન્ય કોઈ કારમાં બેસી પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા.બાદમાં અકસ્માતમાં ભોગ બનેલા બંને મામા-ફોઈના દીકરાઓને ખાનગી ગાડીમાં પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જયારે અન્ય કુટુંબના લોકોએ પાંથાવાડા જઈને બસ ડ્રાયવર ઉપર ફરિયાદ કરી હતી.

(11:19 pm IST)