Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાની બાઈક રેલી આરટીઓની ઝપટે :હેલ્મેટ વગરના 37 બાઇકો ચાલકોને મેમો આપ્યો

નવસારી જિલ્લા પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાયા બાદ આકરી કાર્યવાહી

નવસારી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના ઉપલક્ષ્‍યમાં કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ગાંધી સંદેશ યાત્રામાં હેલ્મેટ વગર બાઇક માલિકોને નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ આરટીઓ મેમો પાઠવવામાં આવ્યો છે.

   ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીના વિચારોને જન જન સુધી પહોચડવાના ઇરાદે અને ભાજપ સરકાર દ્વ્રારા પ્રજા પર નાખવામાં આવેલા આકારા ટ્રાફિક દંડના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે ગત રોજ ઐતિહાસિક દાંડી ખાતેથી ગાંધી સંદેશ યાત્રા (બાઇક રેલી) કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કાર્યકર્તાઓ સાથે હેલ્મેટ પહેર્યા વગર ગાંધી ટોપી પહેરી યાત્રામાં જોડાયા હતા.

   ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર કાઢવામાં આવેલી બાઇક રેલીનું નવસારી જિલ્લા પોલીસ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેને આધારે પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ બાઇક રેલીમાં હેલ્મેટ વગર બાઇક ચલાવનારા 37 બાઇકોની ઓળખ કરવામાં આવી હતી અને તેમને આરટીઓ મેમો મોકલવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોઇપણ પક્ષ કે સંસ્થા દ્વારા વાહન રેલી કાઢવામાં આવતી હતી, એમાં પણ બાઇક ચાલકો હેલ્મેટ વગર જ બાઇક ચલાવી હતી, પરંતુ પોલીસ દ્વારા આ પ્રકારે આરટીઓ મેમો આપવામાં આવ્યો હોય એ આ કદાચ જિલ્લાનો પ્રથમ કિસ્સો હશે.

(9:53 pm IST)