Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગુજરાતના નવ તાલુકાઓમાં સિઝનનો ૨૦૦ ટકા વરસાદ

ગુજરાતમાં સીઝનનો ૧૩૨ ટકા વરસાદ થયો : છોટાઉદેપુરમાં ૨૬૧ ટકા : ૧૨ તાલુકામાં ૧૦૦ ઇંચથી વધુ : હજુ બીજી ઓકટોબર સુધી વરસાદ માટેની આગાહી

અમદાવાદ,તા. ૨૮ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વધુ પડતું સારું રહ્યું છે તેવું કહી શકાય. હવામાનના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતના નવ તાલુકામાં ૨૦૦ ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ ૨૬૧ ટકા ખાબક્યો છે. ગુજરાતના ૩૧ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૨ તાલુકામાં ૧૦૦ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. માત્ર બે જિલ્લા બનાસકાંઠા અને મહેસાણામાં ૯૨ ટકા વરસાદ પડ્યો છે. હાલ ઉત્તર ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બાકીના બે જિલ્લામાં પણ ૧૦૦ ટકા વરસાદ પૂર્ણ થવાની સંભાવના છે. બીજીબાજુ, રાજયમાં અરબી સમુદ્રમાં દરિયા લેવલે બીજી નવી સીસ્ટમ ડેવલપ થઇ રહી હોઇ તા.૨જી ઓકટોબર સુધી વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પરની સર્કયુલેશન સીસ્ટમ બાદ હવે આ નવી સીસ્ટમ ડેવલપ થતાં નવરાત્રિ ટાણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા બહુ વધી ગઇ છે.

                   ખાસ કરીને રાસ-ગરબાના શોખીનો અને રસિયાઓમાં તો નિરાશા વ્યાપી ગઇ છે. ચાલુ વર્ષે રાજયના તમામ ઝોનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ૧૫૩ ટકા, દક્ષિણ ગુજરાત ૧૪૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૩૩ ટકા, મધ્ય ગુજરાત ૧૨૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૧ ટકા વરસાદ નોંધાયો છે. રાજયના ૧૨ તાલુકામાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ડાંગના વઘઈમાં ૧૬૧ ઇંચ, વલસાડના કપરાડામાં ૧૫૩ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૧૫૦ ઇંચ, વલસાડના વાપીમાં ૧૩૪ ઇંચ, વલસાડના ધરમપુરમાં ૧૧૯ ઇંચ, સુરતના માંગરોળમાં ૧૧૫ ઇંચ, વલસાડના પારડીમાં ૧૧૧ ઇંચ, નવસારીના ખેરગામમાં ૧૦૯ ઇંચ, વલસાડના વલસાડ પંથકમાં ૧૦૮ ઇંચ, નવસારીના વાંસદામાં ૧૦૫ ઇંચ, ડાંગના સુબિરમાં ૧૦૦ ઇંચ અને ડાંગના આહવામાં ૧૦૦ ઇંચ વરસાદ નોંધાયો છે.

                   તો, રાજયના નવ તાલુકાઓમાં ૨૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે, આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નવરાત્રીને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અરબી સમુદ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર તરફ સમુદ્ર લેવલે આગામી ૨૪ કલાકમાં નવી લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થશે. આથી ગુજરાતમાં તા.૨ ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા બળવત્તર બની છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે શહેરના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

વાઇબ્રન્ટ નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા, જેના નિકાલની અને સૂકાવવાની કામગીરી હજુ ચાલી રહી છે. મુખ્ય મંચ સહિત સાઉન્ડ સીસ્ટમ અને અન્ય ડેકોરેશન પલળી ગયા હતા. શહેરના સંખ્યાબંધ સ્થળોએ કરેલી ગરબાની તૈયારીઓ પણ ધોવાઈ ગઈ છે, જેના કારણે નવરાત્રીના આયોજકો અને ખૈલેયાઓ ચિંતિત બન્યા છે. વરસાદ બંધ રહેશે તો જ ખુલ્લા મેદાનમાં ગરબાનો આનંદ માણી શકવાનો અવસર ખૈલેયાઓને મળી શકશે તે વાત નક્કી છે. હાલ તો, ખૈલેયાઓ અને આયોજકો મેઘરાજાને વિરામ લેવા મનામણાં કરી રહ્યા છે. તો, જગતનો તાત પણ હવે લીલા દુષ્કાળની ચિંતામાં ગરકાવ બન્યો છે.

(9:41 pm IST)