Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગાંધીજીના ૧૫૧ જન્મદિનને મનાવવા લોકો ખુબ જ ઉત્સુક

સત્યના માર્ગે ચાલવું કંટકભર્યુ પણ ઉમદા : ગાંધીજીના મંત્રો પૈકીના એકાદ મંત્રને પણ જીવનનો ભાગ બનાવી યુવાન રાષ્ટ્ર શક્તિ બની શકે : જગદીશ ભાવસાર

અમદાવાદ, તા.૨૮  : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બીજી ઓક્ટોબરના જન્મદિવસને ઉજવવા માટે સમગ્ર દેશના લોકો ઉત્સુક બનેલા છે. રાષ્ટ્રપિતાના જન્મદિવસે તેમના વિચારોને આવરી લેતા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવનાર છે. સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ તેમની ઉલ્લેખનીય કામગીરીને લઇને યોજવામાં આવશે. દેશના લોકો તેમને યાદ કરશે. આજ દિવસે સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવાના હેતુ સાથે દેશભરમાં કાર્યક્રમની પણ શરૂઆત થઇ રહી છે. ૨ ઓક્ટોબર-૧૮૬૯ના રોજ પોરબંદરની ધરતી પર જન્મ પામનાર મોહનદાસ કરમચંદ ગાંધીને ૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થશે. ૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ તેઓનો ૧૫૧નો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાશે. સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવશે.

               ગાંધીજી ગુજરાતનું ગૌરવ હતા. ગરવી ગુજરાતની સમગ્ર વિશ્વમાં ઓળખ હતા. ગાંધીજી સાથે સત્ય અને અહિંસા શબ્દ જોડાયેલા છે તો ગુજરાતના બીજા મહાન સંતાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એકતા અને અખંડિતતા જોડાયેલા છે. સ્વામી દયાનંદ સરસ્વતિ સાથે આધ્યાત્મિકતા જોડાયેલા છે. ગુજરાતની ભૂમિ સંતો-મહંતો અને દિવ્ય વિચારો ધરાવતાં સંતાનોની ભૂમિ છે. ગાંધીજીએ ગુજરાતનું આભુષણ છે. ગુજરાતના યુવાનોએ સતત તેઓના વિચારોને આત્મસાત કરીને જીવનમાં ઉતારવાં જોઈએ. વિકાસ અને પ્રગતિનો માર્ગ કંડારવો જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના ઇકવલ ઓપોર્ચ્યુનિટી સેલ સૌને સમાન અવસર વિભાગ દ્વારા પ્રતિભા અને વ્યક્તિત્વ નિર્માણ વિષયને લઈને ૨૫ સપ્ટેમ્બરે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે એક દિવસીય વર્કશોપ યોજાઈ ગયો. આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર, આઈપીએસ અનિલ પ્રથમ, રેડિયોસિટીના આરજે હર્ષિલ, સ્કીલ ટ્રેનર સપના સાઈ, ડો. સુજાતા સોની સહિત અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા. આઇપીએસ અનિલ પ્રથમ અને આરજે હર્ષિલે યુવાનોને તક ઝડપીને વિકાસ માર્ગ કંડારવા અપીલ કરી હતી.

               પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારે વર્કશોપ ઉપસ્થિત યુવાનોને સંબોધતા મહાત્મા ગાંધીજીના ૧૫૦ વર્ષને સંકલ્પવર્ષ તરીકે સ્વીકારી તેઓના વિચારોને આત્મસાત કરવા અપીલ કરી હતી. પ્રતિભા અને વ્યક્તિત્વ નિર્માણનું સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીજી હતા. સત્ય અને અહિંસા માટે તઓએ કઠોર તપ કર્યું હતું. આ કઠોર તપનું પરિણામ તેમને મહાત્માનું બિરુદ અપાવી ગયું. આ કઠોર તપને પરિણામે આજે તેઓનો જન્મદિવસ અહિંસા દિવસ તરીકે વિશ્વ મનાવે છે. સત્યના સર્વે ચાલવું કંટક ભર્યુ છે તેવું લાગે, પરંતુ તે માર્ગ જ નિર્ભક અને ઉમદા વ્યક્તિત્વના નિર્માણનું મહત્વનો આધાર સ્થંભ બની શકે છે. ગાંધીજીના સત્ય, અહિંસા, નિર્ભરતા, સાદગી, સંયમ, ઉપવાસ પૈકીના એકાદ મંત્રને યુવાનો જીવનનો ભાગ બનાવે તો યુવા શક્તિ સાચેજ રાષ્ટ્રશક્તિ બની શકે છે.

(8:53 pm IST)