Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉત્તર ગુજરાતના પાલનપુરમાં નવરાત્રીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો: યુવાધન હિલોળે ચડી ચાચર ચોકમાં બોલાવશે ગરબાની રમઝટ

પાલનપુર:ભાદરવી પૂનમે માઈભક્તો પગપાળા અંબાજી દર્શન કરી નવરાત્રી દરમિયાન અમારી માંડવીએ ગરબે રમવા આવવાનું આમંત્રણ આપીને આવ્યા બાદ નવરાત્રીમાં ભક્તિ-શક્તિના પર્વમાં અબાલ, વૃધ્ધ, યુવાધન હિલોળે ચઢી ગરબે ઘુમશે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના વિવિધ શહેરોમાં ચાચર ચોકમાં નવ દિવસ ગરબાની રમઝટ બોલાશે

ભક્તિ અને શક્તિના સમન્વયનું મહાપર્વ નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવલા નોરતાની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે. પાલનપુર શહેર સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં વિવિધ તાલુકા મથકો ખાતે પણ ગરબા મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વર્ષે વરસાદની આગાહીના પગલે નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે છે કે કેમ તે જોવાનું રહ્યું. બીજી તરફ ગરબે ઘૂમવા થનગની રહેલ યુવાધન પણ નવરાત્રિ પર્વને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવક- યુવતીઓના ગુ્રપ ગરબાના નીત નવા સ્ટેપ શીખવા માટે ક્લાસમાં જોડાઈ ગયા છે. બીજી તરફ યુવતીઓ ચણિયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓની ખરીદીમાં  વ્યસ્ત બની છે.

(5:37 pm IST)