Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગુજરાતમાં ૧૨૯.૪૩ ટકા વરસાદઃ છેલ્લા પાંચ વર્ષનો સપ્ટેમ્બર મહિનામાં વરસતા વરસાદનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે ત્યારે સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ વરસાદનો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. સપ્ટેમ્બર માસ પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે. ત્યારે આજ મહિનામાં કુલ 10.98 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હાલ આખા ગુજરાતમાં 41.48 ઈંચ સાથે કુલ 129.43 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં જૂન મહિનામાં 4.27 ઈંચ, જુલાઇમાં 8.75 ઈંચ, ઓગસ્ટમાં 17.56 ઈંચ અને ચાલુ મહિનામાં (સપ્ટેમ્બર) 10.98 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં વર્ષ 2015થી 2018ના સપ્ટેમ્બર મહિનામાં જેટલો વરસાદ પડ્યો છે તે બધો ભેગો કરીએ તો આ ચાલુ માસે પડેલો વરસાદ સૌથી વધુ છે.

ગુજરાતમાં પડેલા વરસાદને જો ઝોન પ્રમાણે જોઇએ તો, સોથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.42 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 38.66 ઈંચ, સૌરાષ્ટ્રમાં 33.81 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 27.75 ઈંચ અને કચ્છમાં 23.34 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જો કે હાલ મોસમનો કુલ વરસાદ 129.43 ટકા થયો છે. જ્યારે સૌથી વધુ હાંસોટમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જોડિયામાં 5.5 ઈંચ, અંકલેશ્વર, ભરૂચ અને ઓલપાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. 20 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, જ્યારે 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ઉત્તર ગુજરાતના સાબરકાઠાં, અરવલ્લી, પાટણમાં વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું છે. વહેલી સવારથી જ સાબરકાંઠાના વિજયનગર, હિંમતનગરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પોશીનામાં 76 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ઈડરમાં 6 મિમી, ખેડબ્રહ્મા 11 મિમી, હિંમતનગર 2 મિમી, વિજયનગરમાં 29 મિમી, વડાલીમાં 22 મિમી, તેમજ તલોદ અને પ્રાંતિજમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઇ છે. જેમાં ગુહાઈ જળાશયમાં 30 ક્યુસક, હાથમતી જળાશયમાં 50 કયુસેક, હરણાવ જળાશયમાં 200 કયુસેક, જવાનપુરા જળાશયમાં 730 કયુસેક પાણીની આવક અને 730 કયુસેક પાણીની જાવક કરવામાં આવી છે.

(5:11 pm IST)