Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અક્ષરધામ પાર આતંકી હુમલાના આરોપીનો જામીન ઉપર છુટકારો

અમદાવાદ નહીં છોડવા, દર શનિવારે પોલીસ સમક્ષ હાજરી સહિતની શરતો

અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલાં પ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર ઉપર થયેલાં આતંકવાદી હુમલા કેસમાં પકડાયેલા લશ્કર એ તોયબાના આતંક મહમ્મદ યાસીન ગુલામ  મોહિઉદ્દીન ભાટને પ્રિન્સિપાલ જજ એમ.કે.દવેએ રૂ. ૨૫ હજારના શરતી જામીન ઉપર મુકત કર્યો છે. આરોપીએ અમદાવાદ શહેરની હદ છોડવી નહીં, તપાસ એજન્સી સમક્ષ તપાસમાં હાજર રહેવું, દર શનિવારે તપાસનીશ એજન્સી સમક્ષ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી હાજરી આપવી સહિતની શરતો લાદવામાં આવી છે.

પકડાયેલાં ત્રાસવાદી મોહમ્મદ યાસીન ભાટ ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરવા માટે જમ્મુ - કાશ્મીર પાસિંગ એમ્બેસડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનું) બનાવીને તેમાં એ.કે. ૪૭ તથા અન્ય હથિયારો રાખ્યા હતા. આ એમ્બેસડર કાર ચાંદખાનને યુપીના બરેલી મોકલી આપી હતી. મંદિર પર હુમલા બાદ આતંકવાદી યાસીન ભાટ પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર નાસી ગયો હતો.

અક્ષરધામ મંદિર ઉપર તા.૨૪-૯-૨૦૦૨ના રોજ સાંજે સાડા ચાર વાગે આતંકવાદીઓએ એ.કે. ૪૭ રાઈફલ અને હેન્ડગ્રેનેડ સાથે ઘૂસીને દર્શન કરવા ગયેલા દર્શનાર્થીઓ તથા રાઈડ્સમાં બેઠેલાં બાળકો ઉપર આડેધડ ગોળીબાર કરતાં ૩૩ લોકોનાં મોત નિપજયાં હતા. જયારે ૨૩ પોલીસ જવાનો સહિત ૮૬ લોકોને ઈજા પહોંચી હતી.

(1:32 pm IST)