Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઓહોહોહો...મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, ગુજરાતનો મોસમનો વરસાદ ૧૩૧.૫૬ ટકા

કચ્છમાં ૧૫૩.૧૭, ઉત્તર ગુજરાતમાં ૧૦૦.૭૧, મધ્યમાં ૧૨૨.૬૯, દક્ષિણમાં ૧૪૨.૦૫ અને સૌરાષ્ટ્રમાં ૧૩૨.૮૬ ટકા વરસાદઃ આજે સવારથી ૪૭ તાલુકાઓમાં મેઘસવારીઃ પાટણમાં ૫ ઈંચ, ઉંઝા-દ્વારકામાં બબ્બે ઈંચઃ પોરબંદરમાં ૧II, કોડીનારમાં અડધો ઈંચ

રાજકોટ, તા. ૨૮ :. ગુજરાતમાં આ વખતે મેઘરાજા જોરશોરથી જામી ગયા છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનો કલ્પનાતિત વરસાદનો રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૭૬ ટકા થયેલ. આ વખતે આ આંકડો બેવડાઈ રહ્યો છે. આજે સવારની સ્થિતિ મુજબ રાજ્યનો મોસમનો વરસાદ ૧૩૧.૫૬ ટકા એટલે કે ઈંચની દ્રષ્ટિએ સરેરાશ ૪૫ ઈંચ જેટલો થયો છે. તમામ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. ૧૪૩ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઈંચ વચ્ચે અને ૯૧ તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ થયો છે.

પાણીની અછત માટે જાણીતા કચ્છમાં આ વખતે મોસમનો સરેરાશ વરસાદ ૧૫૩.૧૭ ટકા થઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૦૦.૭૧, મધ્ય ગુજરાતમાં ૧૨૨.૬૯, દક્ષિણ ગુજરાતમાં ૧૪૨.૦૫ અને સૌરાષ્ટ્રમાં ૧૩૨.૮૬ ટકા વરસાદ થઈ ગયો છે. આંકડાઓ બતાવે છે કે રાજ્યના તમામ ઝોનમાં મોસમનો વરસાદ ૩ આંકડે પહોંચી ગયો છે.

આજે સવારથી ૪૭ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦.૩૦ વાગ્યે અનેક તાલુકાઓમાં મેઘાવી માહોલ છે. આજે સવારે ૬ થી ૧૦ સુધીમાં જે શહેર-તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો તેની આંકડાકીય માહિતી નીચે મુજબ છે. (આંકડા ઈંચમાં).

પાટણઃ

૫ ઈંચ

સરસ્વતી (પાટણ):

 ૨ ઈંચ

ઉંઝાઃ

૨ ઈંચ

દ્વારકાઃ

૨ ઈંચ

વિસનગરઃ

૨ ઈંચ

પોરબંદરઃ

દોઢ ઈંચ

ચાણસ્મા (પાટણ):

દોઢ ઈંચ

ખેરાલુ (મહેસાણા):

દોઢ ઈંચ

માંગરોળ (સુરત):

 દોઢ ઈંચ

વડનગરઃ

૧ ઈંચ

સિદ્ધપુર

૧ ઈંચ

દાતાઃ

૧ ઈંચ

ઉપરાંત ખેડબ્રહ્મા, મેઘરજ, કોડીનાર, મહેસાણા, મેંદરડા વગેરેમાં અડધો ઈંચ જેટલો વરસાદ થયો છે. કરજણ, બારડોલી, જૂનાગઢ, કેશોદ, કાંકરેજ, જામકંડોરણા વગેરેમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

(11:58 am IST)