Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

શું લાગે આ વખતે નવરાત્રીમાં રાસે રમવાનું કે નાવાનું?

સૌરાષ્ટ્ર અને ઉત્તર - પૂર્વ અરબી સમુદ્રવાળુ સરકયુલેશન ૪૮ કલાકમાં વધુ મજબૂત બનશેઃ આજે - કાલે અને સોમવારે હળવાથી મધ્યમ અને એકાદ - બે સ્થળોએ અતિ ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

હવામાન ખાતાના આંકડા મુજબ રાજકોટમાં મોસમનો કુલ ૪૯ ઈંચઃ ગઈકાલે ૧૯ મી.મી. પાણી પડ્યુ

રાજકોટ, તા. ૨૮ : આ વર્ષે મેઘરાજાએ સૌને ધરવી દીધા છે. રાજયમાં લીલો દુકાળ થાય તેવી સંભાવના છે. ધારણા કરતા પણ વધુ ખાબકયો છે. ખેતીના પાકને નુકશાન થઈ રહ્યુ છે. ગણપતિ ઉત્સવ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. નોરતામાં પણ આગાહી કરાઈ છે. જેથી પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવના આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. જયારે વેલકમ નવરાત્રી કરનાર આયોજકોના આયોજનો ઉપર તો પાણી ફરી ગયા છે. દરમિયાન આજે, કાલે અને સોમવારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને એકાદ બે સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ હતું કે ગઈકાલથી સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સાથે જોડાયેલુ સ્ટ્રોંગ સરકયુલેશન ૪૮ કલાકમાં વધુ મજબૂત બનશે. જેની અસરથી શનિ - રવિ - સોમ ત્રણ દિવસ હળવાથી મધ્યમ અને એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જામનગર, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વધુ સંભાવના રહેલી છે. આજ બપોર બાદ અથવા મોડીસાંજથી વરસાદ શરૂ થવાની શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે આખો દિવસ મેઘાવી માહોલ છવાયેલો રહેલ. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ મી.મી. પાણી પડ્યુ હતું. મોસમનો કુલ ૧૨૨૨ મી.મી. (૪૯ ઈંચ) નોંધાયો છે.

(11:34 am IST)