Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગુજરાત : હૃદયરોગનું પ્રમાણ ૧૫-૨૦ ટકા સુધી વધી ગયું

આજે વર્લ્ડ હાર્ટ ડે : હૃદયરોગના દર્દીઓમાં વધારોઃ ગ્રામ્ય વિસ્તારોમાં હૃદયરોગનો દર ૮-૧૦ ટકા સુધી રહ્યો જંકફુડ, બેઠાડુ જીવન અને કસરતનો અભાવ મુખ્ય કારણ

અમદાવાદ,તા.૨૮: આવતીકાલે તા.૨૯મી સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે છે અને ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વભરમાં વિશ્વ હૃદય રોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને આ વૈશ્વિક ગંભીર સમસ્યા વિશે સામાજિક જાગૃતિ ફેલાવાશે. આવતીકાલે શહેરના મીઠાખળી વિસ્તારમાં એચસીજી હોસ્પિટલ ખાતે ગુજરાત મીડિયા કલબના સભ્યો અને તેમના સ્પાઉસ માટે હૃદયરોગ અને અન્ય પરીક્ષણ અંગે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇકોકાર્ડિયોગ્રામ(હાર્ટની સોનોગ્રાફી), કોલેસ્ટ્રોલ લેવલ, સુગર લેવલ, લીપેડ પ્રોફાઇલ, બીએમઆઇ કાઉન્ટ સહિતના પરીક્ષણો અને તપાસ બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવશે. તો, બાપુનગરની સ્ટાર હોસ્પિટલ ખાતે પણ હૃદયરોગ વિશે જાગૃતિ ફેલાવવા ફોટોગ્રાફ્સ, પત્રિકાઓ અને માહિતીસભર જાગૃતિ કાર્યક્રમ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. એક અભ્યાસ મુજબ, પહેલા કરતાં અત્યારની ભાગદોડભરી અને તણાવભરી જીંદગીમાં હૃદયરોગના દર્દીઓમાં ચિંતાજનકહદે વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં નાના ઉમંરે હૃદયરોગનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધ્યું છે. ગુજરાત રાજયમાં શહેરોમાં હૃદયરોગની પ્રમાણ ૧૫થી ૨૦ ટકા સુધી વધ્યું છે, જે પ્રમાણ ગ્રામ્ય વિસ્તારોમાં આઠથી દસ ટકા નોંધાયું છે એમ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ અને એચસીજી હોસ્પિટલના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડો.જય શાહ અને સ્ટાર હોસ્પિટલના વડા ડો.ભાવેશ ઠક્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજની અતિવ્યસ્ત અને માનસિક તાણવાળી જીંદગીમાં હૃદયરોગ થવા પાછળના મુખ્ય કારણોમાં જંક ફુડ, બેઠાડુ જીવન, નિયમિત કસરતનો અભાવ અને અનહેલ્ધી ડાયટ, માનસિક તાણનો સમાવેશ થાય છે. આવતીકાલે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી નિમિતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેશનાઇઝેશન દ્વારા વિશ્વભરમાં ઉજવણીનો સંદેશો આપ્યો છે અને આ વર્ષે માય હાર્ટ, યોર હાર્ટ થીમ પર ઉજવણી કરાશે. એટલે કે, આપણે આપણા પોતાના હૃદયનું અતિશય કાળજીપૂર્વક ધ્યાન રાખીએ અને આપણા પોતાના સ્વજનોના હૃદયનું પણ એટલી કાળજીથી ધ્યાન રાખીએ. હૃદયરોગને દૂર રાખવા માટે આ વખતે જે ત્રણ મહત્વના સંકલ્પ જારી કરાયા છે, તેમાં નિયમિત કસરત, પૌષ્ટિક આહાર અને તમાકુ-ધુમ્રપાન સદંતર બંધ કરવાના સંકલ્પની વાત કરાઇ છે. હૃદયરોગથી બચવું હોય તો, આ સંકલ્પને જીવનમાં અમલી બનાવવા પડશે. ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ અને એચસીજી હોસ્પિટલના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડો.જય શાહ અને સ્ટાર હોસ્પિટલના વડા ડો.ભાવેશ ઠક્કરે વધુમાં ઉમેર્યું હતુ કે, એક અભ્યાસ મુજબ, તમાકુ અને ધુમ્રપાનના કારણે હૃદયરોગ થવાના ચાન્સીસ ટકા ૨૮ ટકા વધી જાય છે, તેથી આ વ્યસનથી અળગા રહેવું.  ભારતમાં તમાકુનું સેવન ૫૦થી ૬૦ ટકા પુરૂ ષોમાં અને મહિલાઓમાં ૧૫થી ૨૦ ટકા સુધી જોવા મળ્યું છે, જે ગંભીર કહી શકાય. હૃદયરોગ આજે એક સામાજિક અને વૈશ્વિક સમસ્યા બની ગઇ છે, તેના માટે હવે લોકોએ પણ સ્વયં જાગૃતિ કેળવવી પડશે અને ડોકટરો તેમ જ મેડિકલ સાયન્સને સપોર્ટ કરી તેમણે પણ આ સમસ્યાને નાથવાની લડતમાં સહભાગી બનવુ પડશે.

(10:18 pm IST)