Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ટ્રી ગાર્ડ ચોરીનું કાંડ અટકાવવા હવે કોર્પોરેટરોના નામો લખાશે

૭૦ લાખથી વધુના ખર્ચે નવા ટ્રી-ગાર્ડ ખરીદાશેઃ ટ્રી-ગાર્ડની ચોરી અને તેનો ફરી દૂરપયોગ થતો અટકાવવા કોર્પોરેશન તંત્ર અસરકારક કાર્યવાહી કરવા માટે સુસજ્જ

અમદાવાદ, તા.૨૮: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડની નવાઇ નથી, તેમાં પણ ગ્રીન અમદાવાદના નારા વચ્ચે રોપાના રક્ષણ-સંવર્ધન માટે મુકાતાં ટ્રી-ગાર્ડમાં પણ વર્ષોથી અવનવાં કૌભાંડ ચાલે છે. જે તે કોર્પોરેટર કે ધારાસભ્ય વગેરે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિના બજેટમાં જે તે વિસ્તાર માટે ટ્રી-ગાર્ડની ફાળવણી કરાય છે, પરંતુ તંત્રના ટેમ્પામાંથી કેટલાંક ટ્રી-ગાર્ડ ઉતારાયાં, કેટલાં કયા વિસ્તારમાં લગાવાયાં તેનો કોઇ હિસાબ રખાતો નથી. એ તો ઠીક, ટ્રી-ગાર્ડની ચોરી કરીને કેટલાંક લેભાગુ તત્ત્વો લોખંડના ભંગારમાં વેચી કાઢે છે. ઉપરાંત કેટલીક જગ્યાએ જૂના ટ્રી-ગાર્ડને ફરીથી રંગરોગાન કરીને નવાં તરીકે મૂકવાનાં કૌભાંડો પણ આચરાતા રહ્યા છે, જોકે હવે અમ્યુકો સત્તાવાળાઓએ ટ્રી-ગાર્ડની ચોરી તેમજ તેનો ફરી થતો ઉપયોગ રોકવા માટે તેના પર કોર્પોરેટરનાં નામ લખવાની સક્રિય વિચારણા હાથ ધરી છે. જેમાં આગામી દિવસોમાં શહેરમાં રૂ .૭૦ લાખથી વધુ ખર્ચે નવા ટ્રી-ગાર્ડ ખરીદવાનું પણ તંત્રનું આયોજન છે. જો કે, ટ્રી-ગાર્ડ ખરીદવાના ખર્ચનો આ આંક વધે તેવી પણ શકયતા છે. ઉલ્લેખનીય છે કે, હાલનાં મેયર બીજલબહેન પટેલ અગાઉ જ્યારે રિક્રિએશનલ કમિટીનાં ચેરપર્સન હતાં તે વખતે તેમની સમક્ષ ટ્રી-ગાર્ડને લગતાં વિવિધ કૌભાંડ અંગે ઉગ્ર રજૂઆતો થઇ હતી, જેના પગલે બીજલબહેન પટેલે આગામી વર્ષે ટ્રી-ગાર્ડના કામમાં નંબરીંગ સિસ્ટમ દાખલ કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોઇ કોર્પોરેટર પોતાના વિસ્તારમાં પ૦૦ ટ્રી-ગાર્ડ ફાળવે તો તેના નંબરીંગના આધારે ભવિષ્યમાં કોઇ ગરબડ થતી રોકી શકાય. પરંતુ આશ્ચર્યજનક રીતે ખુદ શાસકોની જાહેરાતને તંત્ર દ્વારા અભરાઇ પર ચઢાવી દેવાઇ હતી. દરમ્યાન આજે મળેલી રિક્રિએશનલ કમિટી સમક્ષ તંત્ર દ્વારા એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટથી નવા પશ્ચિમ ઝોનમાં રૂ.૩૦.૧ર લાખના અને ઉત્તર ઝોનમાં રૂ .૪૦.૧પ લાખના ખર્ચે ટ્રી-ગાર્ડ ખરીદવાની દરખાસ્ત મુકાઇ હતી, જેમાં પ્રતિનંગ રૂ .૬૭૦નો ભાવ ચૂકવાશે. આમાં પણ ગત વર્ષના રૂ .પ૭૧ના ભાવ કરતાં પણ ઊંચો ભાવ સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટરને ચૂકવાશે, જોકે બન્ને કોન્ટ્રાક્ટના એકમાત્ર ટેન્ડરર કમલ એન્ટરપ્રાઇઝને આપવાની દરખાસ્તને આ મામલે ક્યાંક કોઇ મિલીભગત થઇ હોવાનો પણ વિવાદ અત્યારથી વિપક્ષ દ્વારા ઉઠાવાઇ રહ્યો છે ત્યારે અમ્યુકો તંત્ર ટ્રી-ગાર્ડના કૌભાંડને મક્કમતાપૂર્વક નાથવાના ભાગરૂ પે કમર કસી છે અને તેના ભાગરૂ પે જ તંત્ર દ્વારા નવા ટ્રી-ગાર્ડમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ લખવાની ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. ટેન્ડરની શરતમાં જ ટ્રી-ગાર્ડની નેમ પ્લેટમાં કોર્પોરેશન જે કહે તે છાપ આપવાનો ઉલ્લેખ કરાયો છે. આમ કરવાથી ટ્રી-ગાર્ડનો દુરુપયોગ થતો રોકાશે તેવો પણ તંત્રનો દાવો છે. જો કે, ટ્રી-ગાર્ડની ચોરી અટકાવવા તેની પર સતત વોચ અને પેટ્રોલીંગની ચુસ્ત વ્યવસ્થા કરવાની માંગ નિષ્ણાત વર્તુળમાં ઉઠવા પામી છે.

(10:17 pm IST)