Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઉમરેઠમાં વહેલી સવારે મંદિરમાં ઘુસી તસ્કરોએ નંદી ની મૂર્તિને ખંડિત કરતા ચકચાર

ઉમરેઠ:ના વડા બજારમાં આવેલા ઐતિહાસિક પગલા મંદિરમાં આજે વહેલી સવારન સુમારે ઘુસેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નંદીને ખંડિત કરીને બાંકડા તથા ખુરશીઓની તોડફોડ કરી ધાર્મિક લાગણી દુભાવતા સમગ્ર નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. 
રાજા રણછોડજી દ્વારિકા નગરીથી ડાકોર ગયા તે સમયે ઉમરેઠમાં જે જગ્યાએ વિસામો કર્યો હતો. આજે તે જગ્યા પગલા મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં રાજા રણછોડરાયજીના પગલા હોવાથી તે પગલા મંદિર તરીકે સમગ્ર ઉમરેઠ પંથકમાં અનેરું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, મંદિરમાં અગિયારસ તેમજ પૂનમના દિવસે વિશેષ ધાર્મિક આયોજનો પણ થાય છે ત્યારે આજે વહેલી સવારે નગરના પગલા મંદિરમાં નંદીને ખંડિત કરાતા ભક્તોમાં રોષ ભભુકી ઊઠ્યો છે. નંદી સહિત મંદિરના બાકડા તેમજ ખુરશી અને શ્લોક લખેલા બોર્ડ પણ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. 
પગલા મંદિરમાં નંદી ખંડિત થઈ હોવાની વાત વહેતી થતા ભક્તોના ટોળા એકત્ર થયા હતા અને આ કૃત્ય કોણે કર્યું છે તે અંગે તર્ક-વિતર્કો શરૂ કરી દીધા હતા. ચર્ચાઈ રહ્યું છે કે, વહેલી સવારે આ કૃત્ય કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવ્યું હશે, પરંતુ આવું કૃત્ય કરવા પાછળ અજાણ્યા ઈસમોનો શું ઈરાદો હશે તે યક્ષ પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉમરેઠના સંતરામ મંદિર સંચાલિત સ્મશાનમાં પણ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના બની હતી. જે અંગે ઉમરેઠ પોલીસ દ્વારા જે તે સમયે સઘન તપાસ કરીને એક મંદ બુદ્ઘિના ઈસમને સદર કૃત્ય કરવા બદલ પકડી પાડ્યો હતો ત્યારે હવે પગલા મંદિરમાં નંદી ખંડિત કરવાની ઘટના પણ કોઈ ઈસમે અટકચાળું કરવા કરી હશે ? તે યક્ષ પ્રશ્ન છે.

(5:08 pm IST)