Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મોદીએ ૯ વર્ષ પહેલા ખેડૂતો માટે ખાતમુહુર્ત કરેલ, આજે ત્યાં ખેતર છે

લસણ,ડુંગળી,આદુનો પ્લાન્ટ કેમ ન બન્યો? યાદી અપાવતા ડો. મનીષ દોશી

અમદાવાદ તા.૨૮: લસણ,ડુંગળી, આદુ ડીહાઇડ્રેશન પ્લાન્ટમાં કરોડો રૂપિયાના રોકાણની વર્ષ-૨૦૦૯માં સંતરામપુર ખાતે ખાત મુહુર્ત કરનાર ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પાસે ગુજરાતના લસણ,ડુંગળી, આદુ સહિત શાકભાજી પકવનાર ખેડૂતો જવાબ માંગી રહયા છે ત્યારે તાત્કાલિક અસરથી લસણ, ડુંગળી, આદુ, બટાકા અને શાકભાજી પકવનાર ખેડૂતો માટે રાજય સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માંગ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ કરી છે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લસણ, ડુંગળી, આદુ સહિતના પાકો પકવનાર ખેડૂતો રાત દિવસ સુધી મહેનત કરીને મોંઘા પાકના બજારમાં વેચાણ કરવા જાય ત્યારે સાવ નજીવા નાણા મળે છે. ૧ કિલો લસણના ૭૫ પૈસાથી રૂ. ૧/- મળી રહયા છે. ડુંગળી, બટાકા ખેડૂતોને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાના નાણા પણ મળતા નથી. તા. ૧૭-૦૧-૨૦૦૯, શનિવારના રોજ સંતરામપુર ખાતે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લસણ,ડુંગળી, આદુ ડીહાઇડ્રેશન પ્લાન્ટનું ખાતમુહુર્ત કર્યુ હતું. ૧૧૪ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે ત્યાં ખુલ્લુ ખેતર છે અને રૂ.૧/-નું રોકાણ પણ નથી. ગુજરાતના લસણ, ડુંગળી, આદુ પકવતા ખેડૂતો ભાજપા સરકાર પાસે જવાબ માંગી રહયા છે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.(૧.૧૦)

(12:01 pm IST)