Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

લસણ-ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો પરેશાનઃ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ વિખેરાયુ

અમદાવાદ: એક તરફ હોલસેલ માર્કેટમાં લસણ, ડુંગળી અને ફ્લાવર નીચા ભાવ મળતાં ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ રિટેલ માર્કેટમાં આસમાને પહોંચેલા શાકના ભાવે ગ્રાહકોને ચિંતામાં મૂક્યા છે. એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ડેટા પ્રમાણે, હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો લસણનો ભાવ 5-18 રૂપિયા, ફ્લાવર 3-7 રૂપિયા અને ડુંગળી 4-8 રૂપિયે કિલો છે. તો આ તરફ રિટેલ માર્કેટમાં લસણ 80 રૂપિયે કિલો, ફ્લાવર 60 રૂપિયે અને ડુંગળી 30 રૂપિયે કિલો વેચાય છે.

ખેડૂત મનસુખભાઈ પાનસુરિયાએ કહ્યું કે, “સામાન્ય રીતે રિટેલ માર્કેટમાં અમે 40 રૂપિયે કિલો લસણ વેચતા હતા પરંતુ હવે આ કિંમત ઘટીને 25-35 પર પહોંચી છે. જો આ સ્થિતિ રહી તો અમારે વાવણી અને લણણી પાછળ થતો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બનશે.” ખેડૂતોની માગ છે કે લસણના ટેકાના ભાવ મળવા જોઈએ. લસણ વિક્રેતા અશોક શાહે કહ્યું કે, “આ વખતે લસણનું બંપર ઉત્પાદન થયું છે જેના કારણે લસણની ખરીદ કિંમત ઘટી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના ઓછા ભાવ મળતાં તેઓ ખેતીનો ખર્ચો કાઢી શકે તેમ નથી.”

છેલ્લા પંદર દિવસમાં ડુંગળીના ભાવ હોલસેલ માર્કેટમાં અડધા થઈ જતાં ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. ડીસા APMCના સેક્રેટરી વી.પી. પાંચીવાલાએ કહ્યું કે, “ઊંચી ગુણવત્તાની ડુંગળી હોલસેલ માર્કેટમાં 10 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ જ ડુંગળી 15 દિવસ પહેલા 15-20 રૂપિયે કિલો વેચાતી હતી. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના વધુ પડતાં ઉત્પાદનના કારણે ભાવ નીચા ગયા છે.” એક તરફ ખેડૂતો પાકના પોષણક્ષમ ભાવ મેળવવા માટે મથી રહ્યા છે તો બીજી તરફ લીલા શાકભાજીનું અઠવાડિયાનું બિલ ગ્રાહકોને બાળી રહ્યું છે.

વેજલપુરના રહેવાસી ધરતી ગાંધીએ કહ્યું કે, “લોકલ માર્કેટમાં શાકભાજીના ભાવ ખૂબ વધારે છે. ગયા અઠવાડિયે મે શાક ખરીદ્યું ત્યારે મારું શાકનું બિલ સામાન્ય રીતે આવતાં બિલ કરતાં દોઢ ગણું હતું. જો હોલસેલ પ્રાઈસ ઘટી છે તો તેનો લાભ ગ્રાહકોને પણ મળવો જોઈએ.” અમદાવાદ APMCના સેક્રેટરી દીપક પટેલે કહ્યું કે, “ગયા વર્ષે સુધી ફ્લાવર બાજુના રાજ્યોમાંથી લાવવામાં આવતા હતા. પણ આ વખતથી ફ્લાવરનું ઉત્પાદન અહીં શરૂ કરાયું છે. એવામાં સાબરકાંઠા અને ડીસાના ખેડૂતોને ફ્લાવરનું બંપર ઉત્પાદન થયું છે. ભેજવાળા હવામાનમાં વેલા પર થતાં શાક ખૂબ સારી રીતે ઉગે છે. વધુ પડતા ઉત્પાદન પાછળ આ જ કારણ છે.”

(5:35 pm IST)