Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

વડોદરામાં યુવતી પર એસિડ એટેક : પિતા-પુત્રની ધરપકડ

એનઆરઆઇ યુવતીના ઘરે જઈ એસિડ ફેંક્યું : હુમલા વેળા યુવતી ખસી જતાં તેનો આબાદ બચાવ થયો યુવકના કૃત્યમાં પિતાએ પણ સાથે આપતા બંનેની ધરપકડ

અમદાવાદ, તા.૨૮ : વડોદરામાં એનઆરઆઇ યુવતીના ઘરે જઇ તેના ઉપર એસિડ ફેંકી લગ્ન કરવાનું દબાણ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ યુવાન અને તેને મદદ કરતા તેના પિતાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. એસિડ લઇને યુવતીના ઘરે ગયેલા યુવાને યુવતીને એવી પણ ધમકી આપી હતી કે, બીજી વખત એસિડથી નહીં બચે. નક્કી કરી લે તું મારી સાથે ક્યારે લગ્ન કરીશ. એકતરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા એનઆરઆઇ યુવતી પર એસિડ એટેકને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલા સી-૪૧, શુભમ ડુપ્લેક્ષમાં બિનીક્ષ દિપેન્દ્ર હાન્ડે(ઉ.વ. ૨૨) પરિવાર સાથે રહે છે અને પિતા સાથે જીમ ચલાવે છે. એક તરફી યુવતીને પ્રેમ કરતો બિનીક્ષ સોમવારે સાંજના સમયે તેના જ વિસ્તારમાં રહેતી યુવતીના ઘર પાસે એક્ટિવા લઇને ધસી ગયો હતો.

     તે સમયે યુવતી અને તેની માતા કાર લઇને જઇ રહ્યા હતા. બિનીક્ષે કારની ચાવી કાઢી લઇને યુવતીને જણાવ્યું હતું કે, તું મારો ફોન કેમ ઉપાડતી નથી. તારી ગેરહાજરીમાં તારા પપ્પાને મે માર મારીને છોડી દીધા હતા પણ હવે તારા મમ્મી પપ્પાને મારી નાખવાનો છું એમ કહી યુવતીને લાફો મારી દીધો હતો. યુવતીએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા બિનીક્ષ તેની એક્ટીવામાંથી એસિડની બોટલ કાઢી લાવ્યો હતો અને યુવતીની સામે ફેંક્યું હતું. જો કે, યુવતી ખસી જતા એસિડ એટેકથી બચી ગઇ હતી. ત્યારબાદ બિનીક્ષે યુવતીને ધમકી આપતા જણાવ્યું કે, આજે તો તું એસિડથી બચી ગઇ છે. બીજી વખત નહીં બચે. નક્કી કરે લે તું મારી સાથે ક્યારે લગ્ન કરવાની છે. બિનીક્ષે યુવતીના ઘર પાસે હોબાળો મચાવતા સોસાયટીના લોકો પણ ભેગા થઇ ગયા હતા. દીકરી ઉપર એસિડ એટેકની આપેલી ધમકીથી ગભરાયેલી યુવતીની માતાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

         માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બિનીક્ષને મારી દીકરીએ લગ્ન કરવાનો ઇન્કાર કરવા છતાં તે હેરાન કરતો હતો. અને દીકરીના મોબાઇલ ફોન ઉપરથી તેનો ફોટો ડાઉનલોડ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો. યુવતી ૨૦૧૪માં ક્રિમિનલ સાઇકોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગઇ હતી અને તા.૩૧ જુલાઇએ માતાને મળવા માટે વડોદરા આવી હતી. અગાઉથી જ બંને એકબીજાને ઓળખતા હોવાથી બિનીક્ષ યુવતીને ફોન કરતો હતો અને મેસેજ કરીને લગ્ન માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતી લગ્ન માટે કોઇ દાદ આપતી ન હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું યુવક બિનીક્ષ યુવતીના ઘરેથી પાળેલું કુતરું પણ ચોરી કરી ગયો હતો. ક્રાઇમ બ્રાંચે ફરિયાદને ગંભીરતાથી લઇ ગણતરીના કલાકોમાં યુવતી ઉપર એસિડ એટેક કરનાર બિનીક્ષ હાન્ડે અને તેને મદદ કરનાર તેના પિતા દિપેન્દ્ર હાન્ડેની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(9:55 pm IST)