Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બાવળા પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા કિશોરના બન્ને પગ ટાયરમાં કચડાયા: સારવાર દરમિયાન મોત

બાઈક પાછળ બેઠેલો કિશોર ડમ્પરના ટાયર નીચે આવી જતા ફસાઈ ગયો હતો અને કચડાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી

અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળા પાસે પૂર પાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હોવાથી સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જ્યારે બાઈકની પાછળ બેઠેલો કિશોર ડમ્પરના ટાયર નીચે આવી જતા ફસાઈ ગયો હતો અને કચડાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતું. આ અંગે બાવળા પોલીસે ડમ્પર ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્યના બાવળા પાસે રહેતા ગણેશભાઈ મંગાભાઈ બરડિયા (મરવા) બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બજારમાં કામ અર્થે બાઈક લઈને નિકળ્યા હતા. જો કે પાડોશમાં રહેતા તેમના કુટુંબી કાકાનો દીકરો અમિત પણ તેમની સાથે આવવા માટે કહેતા ગણેશભાઈ તેને બાઈક પાછળ બેસી બાઈક લઈને રામદેવપીરના મંદીરથી હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી નંબર પ્લેટ વગરના એક ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારીને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સ્લીપ થઈ ગયુ હતુ, ચાલક ગણેશભાઈ હવામાં ફંગોળાઈ ગયો હતો અને અમિત ડમ્પરના ટાયરની નીચે આવી ગયો હતો.

જો કે ડમ્પરચાલકે શોર્ટ બ્રેક મારી દીધી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા જેથી ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોએ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં ડમ્પરના ટાયરનીચે દબાયેલા અમિતને ડમ્પરને પાછળ ધક્કો મારી ખસેડયું અને જેમ તેમ કરીને બહાર કાઢ્યો હતો.

અડધું શરીર ચકદાઈ જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. વધુ ઇજા હોવાથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અમિતનું મોત નિપજ્યું હતું. આ અંગે બાવળા પોલીસે ગુનો નોંધી કિશોર અમિતના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

(8:06 pm IST)