Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પંડિત દિનદયાલ કલીનીકમાં ડોકટરને જગ્યા તથા ફર્નીચર અને દવા પુરા પડાશે : નીતિનભાઈ પટેલ

શ્રમજીવી વર્ગના લોકો માટે માત્ર સાંજે કલીનીક ચાલશે

અમદાવાદ :મજૂરી કામ કરતાં, ગીચ તથા ભીડવાળા વિસ્તારોમાં રહેતાં શ્રમજીવી વર્ગ માટે માત્ર સાંજે પંડિત દિનદયાલ કલીનીક ચાલશે. આ કલીનીકમાં ખાનગી પ્રેકટીસ કરતાં ડોકટર દ્વારા સારવાર આપવામાં આવશે. તે બદલ ડોકટરને ઉચ્ચક રકમ, કલીનીક માટેની જગ્યા, ફર્નીચર ઉપરાંત દવા સરકાર તરફથી પુરી પાડવામાં આવશે તેમ રાજયના નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું.

 

પત્રકાર પરિષદને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે, રાજયની મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં અર્બન હેલ્થ સેન્ટરથી માંડીને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો ઉપલબ્ધ છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભારત સરકારના સહયોગથી રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ ગીચ વિસ્તારોમાં કે મજૂરી કામ કરતાં લોકોને ઘરઆંગણે નાની-મોટી બિમારીની સારવાર મળી રહે તે માટે સરકાર તરફથી વધારાની પંડિત દિનદયાલ કલીનીક શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાંજના સમયના કલીનીક કોર્પોરેશનના સહયોગથી ચાલુ કરવામાં આવશે. દરરોજ સાંજે ત્રણથી ચાર કલાક આ કલીનીકમાં સેવા આપવા ઇચ્છતા ખાનગી પ્રેકટીસ કરતાં ડોકટરોને માનદ્દ વેતન અપાશે. તેઓ પોતાના કમ્પાઉન્ડર સાથે કલીનીકમાં આવશે. કલીનીક માટેની જગ્યા તથા ફર્નીચર કોર્પોરેશન પુરા પાડશે. અને દવાઓ રાજય સરકાર તરફથી આપવામાં આવશે. દર્દીને વધુ સારવારની જરૂર હશે તો સરકારી હોસ્પિટલમાં રીફર કરશે. તેમણે કહ્યું કે, કામદારોની રોજગારી ના બગડે અને તેમના અનુકુળ સમયે સારવાર મેળવી શકશે. ડોકટરને જે ઉચ્ચક માનદ્દ વેતન અપાશે તેમાં સહાયકનો ચાર્જ આવી જશે.

 

 

રાજયના આરોગ્ય મંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, ગત રવિવારે વેપારીઓ તથા તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓ વગેરે માટે ખાસ વેકસીનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં 27 લાખથી વધુ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આ રવિવારે જેમને પહેલો ડોઝ લઇ લીધો છે અને બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે તેમના માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બાકી રોજીંદા દિવસમાં જયારે પણ વેકસીનનો સ્ટોક ઉપલબ્ધ હોય ત્યાં તેઓ લઇ જ શકે છે.

 

રાજયભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજયની સરકારી લેબોરેટરી દ્વારા આરટીપીસીઆર તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે કહ્યું કે, તા.27મી જુલાઇના રોજ 44,666 આરટીપીસીઆર તથા 17,892 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 62,558 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જયારે અત્યારસુધીમાં આરટીપીસીઆર 91,55,936 અને એન્ટીજન ટેસ્ટ 1,61,99,857 મળી કુલ 2,53,55,793 જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(7:02 pm IST)