Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મહેસાણા તાલુકાના લાંઘણજ ગામ નજીક જાણીતી કંપનીની ડુપ્લીકેટ બીડી બનાવી વેચવાનું કૌભાંડ ઝડપી પોલીસે એકની ધરપકડ કરી

મહેસાણા: તાલુકાના લાંઘણજ ગામમાં બહારથી લુઝ બીડીઓ લાવીને તેની ઉપર જાણીતી કંપનીના માર્કા લગાવી બજારમાં હોલસેલના ભાવે ડુપ્લીકેટ બીડીઓનું વેચાણ કરતા એક ભેજાબાજને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. તેની વિરૂધ્ધ ટ્રેડમાર્ક એકટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવાના ભાગરૂપે એલસીબીના પીએસઆઇ એસ.બી.ઝાલા અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગની કામગીરીમાં હતા. તે વખતે એએસઆઇ તેજાભાઈ અને હેડ કોન્સ.અરવિંદકુમારને બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકાના લાંઘણજ ગામના સરદાર ચોકમાં રહેતો પીન્ટુ અશોકભાઈ પટેલ લુઝ બીડીઓ ઉપર જાણીતી કંપનીના માર્કા લગાવી ડુપ્લીકેટ બીડીઓનું બજારમાં વેચાણ કરવાની પ્રવૃતિ આચરી રહ્યો છે. હાલમાં પોતાની ગાડીમાં ડુપ્લીકેટ બીડીઓનો જથ્થો ભરીને કડી તરફ વેચાણ કરવા જઇ રહ્યો છે. જેના આધારે પોલીસે નંદાસણથી કડી રોડ ઉપર ર્વાચ ગોઠવી હતી અને અહીંથી પીન્ટુને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે આ ભેજાબાજ લાંઘણજ ગામમાં આવેલા પોતાના ઘરમાં બનાવેલ કરીયાણાનો સામાન મુકવાના ગોડાઉનમાં બહારથી લુઝ બીડીઓ લાવતો હતો. ત્યારબાદ તેના બાંધા ઉપર અલગ અલગ જાણીતી કંપનીના માર્કાઓ લગાવી કંપની જેવી ડુપ્લીકેટ બીડીઓના કાર્ટુન બનાવીને હોલસેલના ભાવે બજારમાં વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી ડુપ્લીકેટ બીડીઓ સહિત કુલ રૂ.૩૪૩૧૯૦ની મત્તા કબજે કરીને નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

(5:43 pm IST)