Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આણંદ જિલ્લામાં કેવયસી અપડેટ કરવાના બહાને ગઠિયો 1.60 લાખથી વધુની રકમ ઉપાડી છૂમંતર.....

આણંદ:જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં આણંદ શહેરના મંગળપુરા વિસ્તારના વૃધ્ધને કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણ્યા ગઠીયાએ તેઓના બેંક ખાતામાંથી રૂા.૧.૬૨ લાખ ઉપરાંતની રકમ ઉપાડી છેતરપીંડી આચરી હોવાનો બનાવ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયો છે.

શહેરના મંગળપુરા રોડ ઉપર આવેલ સુશાંત બંગલો ખાતે રહેતા અનંતરાય પુરસોત્તમ વ્યાસની નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તા.૨૪મી જુલાઈના રોજ બપોરના સુમારે તેઓના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ એસબીઆઈ સરદારગંજ બ્રાન્ચના મેનેજર તરીકેની પોતાની ઓળખ આપી હતી. ત્યારબાદ અનંતરાય વ્યાસને વિશ્વાસમાં લઈ કેવાયસી અપડેટ કરવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત ફોન કરનાર ગઠીયાએ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની વિગતો મેળવી ખાતા નંબર લીધો હતો અને ત્યારબાદ તેઓના બેંક ખાતામાંથી રૂા.૧,૬૨,૭૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. બીજા દિવસે અનંતરાય વ્યાસે તપાસ કરતા પોતાના ખાતામાંથી રકમ ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોતે આ રકમ ન ઉપાડી હોય અજાણ્યા ગઠીયાના હાથે છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ તુરંત જ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ અંગે મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)