Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બનાસકાંઠાના પાલનપુરમાં દિલ્‍હી ગેટથી માલણ દરવાજા સુધીનો રસ્‍તો બિસ્‍મારઃ 40 ગામના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

વર્ષોથી ખખડધજ રસ્‍તાથી સ્‍થાનિકો અને વાહનચાલકો હેરાન

બનાસકાંઠા: બનાસકાંઠામાં મુખ્યમથક પાલનપુર શહેરમાં દિલ્હીગેટથી માલણ દરવાજા સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર પસાર થતાં 40 ગામોના લોકો અને વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને હવે સ્થાનિક લોકોએ રોડ નવો નહિ બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે શહેરના બિસ્માર રસ્તાઓ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. પાલનપુર શહેરને 40 ગામડાઓથી જોડતો દિલ્હીગેટથી માલણ દરવાજનો મુખ્યમાર્ગ વર્ષોથી ખાડાખડીયા અને બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વર્ષોથી રોડ ખુબજ ભંગાર હાલતમાં હોવા છતાં રોડને નવો બનાવવામાં આવતો નથી દરવર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં રોડ અનેક જગ્યાએથી તૂટી જાય છે અને તેમાં મોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકો રોડ વચ્ચે પડેલા ખાડામાં તેમના વાહનો પસાર કરવા મજબુર બન્યા છે જેને લઈને અનેક વખત અકસ્માતમાં પણ સર્જાય છે.

બિસ્માર રોડને લઈને અહીંથી પસાર થતાં 40 જેટલા ગામોના લોકો પરેશાન છે તો સ્થાનિક લોકો રોડને લઈને રોજબરોજ મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેક વર્ષોથી સ્થાનિક લોકો રોડને લઈને અનેક રજૂઆતો કરી ચુક્યા છે પણ રોડને નવો બનાવવામાં આવતો નથી જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષોથી વિસ્તારના સ્થાનિક લોકો રોડને લઈને પરેશાન હોવા છતાં અને નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક  રજૂઆતો કરવા છતાં રસ્તાને નવો બનાવવામાં આવતો નથી દરવર્ષે સામાન્ય વરસાદમાં રોડ ઉપર ખાડા પડી જતા હોવાથી લોકોના રોષને જોઈને પાલિકા દ્વારા રોડ ઉપર ફક્ત થીગડાં મારવામાં આવે છે.

ત્યાર બાદ થોડા સમયમાં રસ્તો હતો તેવો બિસ્માર થઈ જાય છે જેથી હવે વિસ્તારના લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો જલદીથી રસ્તાનો નિકાલ નહિ આવે તો આવતી 5 તારીખે બધાજ લોકો ભેગા થઈને રસ્તો બ્લોક કરીને વિરોધ દર્શાવીશું.

(4:23 pm IST)