Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગુજરાતમાં સિઝનનો ૩૪.૬૦ ટકા વરસાદ : ૩૦ મી સુધીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઇ : દરિયો ન ખેડવા માછીમારોને સુચના

અમદાવાદ, તા. ર૮ : રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૩૪.૬૦ ટકા વરસાદ વરસ્યો છે. ૨૮ જિલ્લાના ૧૨૨ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન સવાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યું છે. ૨૪ કલાકમાં ડોલવણ અને બારડોલીમાં ૨૯ મિમી વરસાદ, સાપુતારામાં ૧ ઇંચ, આહવામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૩૦ જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી છે.

રાજ્યભરમાં વરસાદી માહોલમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન કાળાંડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસ્યો ન હતો પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા ૩૦મી જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ૩૦ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૩૦ જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

(2:58 pm IST)