Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સરકારી સુવિધાના સત્વરે લાભનો હેતુ : એક સાથે ૫૦૦ સેવા સેતુ

રૂપાણી રાજ્યના ૫ વર્ષની ઉજવણી નિમિતે મંગળવારે પ્રજાલક્ષી વિશીષ્ટ કાર્યક્રમ : નગર-તાલુકા-વોર્ડવાઇઝ સમાન કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૮ : રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણી નિમિતે મુખ્યમંત્રીના જન્મદિને તા. ૨ ઓગસ્ટે રાજ્યમાં ૫૦૦ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરકારી સુવિધા માટેની લોકોની રજુઆતોનો નિર્ણય કરવામાં આવશે.

૫૭ પ્રકારની સેવાઓ અંગે લોકોની અરજી સ્વીકારવામાં આવશે. જેમાં આવકનો દાખલો, જન્મ, મરણ, લગ્ન નોંધણીનો દાખલો, ૭/૧૨ અને ૮ પ્રમાણપત્ર, લર્નિંગ લાઇસન્સ વારસાઇ અરજી, વૃધ્ધ નિરાધાર સહાય, વૃધ્ધ પેન્શન યોજના, કુંવરબાઇનું મામેરૂ, કોરોનામાં અનાથ બનેલા બાળકોને સહાય, વિધવા સહાય, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના વગેરેનો સમાવેશ થાય છે. સવારે ૯ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. રાજકોટ તાલુકાનો કાર્યક્રમ ત્રંબામાં યોજાનાર છે.

શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિતે ઓગસ્ટ માસની ૨ જી તારીખે 'સંવેદના દિન'ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે એક દિવસ માટે સમગ્ર રાજ્યમાં પ્રત્યેક તાલુકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવા માટે સરકારે નિર્ણય કરેલ છે. સમગ્ર રાજ્યમાં ૫૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. પ્રત્યેક તાલુકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો રહેશે. નગરપાલિકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો રહેશે. મહાનગરપાલિકા કક્ષાએ પ્રત્યેક ઝોન એક વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો રહેશે.

'સંવેદના દિને' યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં નિધારિત ૫.૭ સેવાઓ આપવાની રહેશે.

(3:45 pm IST)