Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરામાં સ્‍કૂલ ફી મુદ્દે શાળા સંચાલકોની મનમાની યથાવતઃ અંબે વિદ્યાલયે ફી ન ભરનારા વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું

વડોદરા: સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.

સ્કૂલ ફી મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહી લેવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. શાળા સંચાલકોને હાઇકોર્ટનો ડર રહ્યો નથી. સરકાર દ્વારા ફી ન લેવાનો પરિપત્ર જાહેર થયા બાદ પણ માંજલપુરની અંબે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્કૂલ ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓના વાલીઓએ શાળ ફી ભરી નથી તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે.

શાળા સંચાલકો દ્વારા ફી ન ભરવી હોય તો શાળામાંથી બાળકોનું એડમિશન રદ કરવાની ધમકી અપાઇ હતી. શાળા બહાર વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જને પગલે શાળા બહાર પોલીસની બે ગાડીઓ પહોંચી હતી. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે ફી મામલે શાળા સંચાલકો દ્વારા સરકારના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી શાળા સંચાલકો ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી ઉઘરાવી રહ્યા હતા. આ મુદ્દે અનેક વાલીઓએ સરકારમાં રજુઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચુપ બેઠી હતી. જ્યારે વાલીઓએ મજબુર બનીને ફી ભરવી પડી હતી. જ્યારે વિરોધ કરનારા વાલીઓએ ફી ભરી નહોતી. આખરે હાઇકોર્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

(5:06 pm IST)