Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પોલીસ વિભાગમાં કાર્યક્ષમતાનો નવો માપદંડ 'ડીજીપી પ્રશંસા એવોર્ડ'

કાર્યક્ષમતા ધરાવતા હોવા છતાં રાષ્ટ્રપતિ શ્રીના વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશંસનીય સેવામેડલમાં જૂજ પોલીસ અધિકારી - કર્મચારીઓનો સમાવેશ થઈ શકતો હવેથી 'ડીજીપી કમેન્ડેશન ડીસ્ક' એવોર્ડ જાહેર થવાથી કાર્યક્ષમ પોલીસ અધિકારી - કર્મચારીઓનું મોરલ વધુ અપ થશે : આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, યુપી, કેરલા જેવા ૬ રાજયો બીએસએફ અને સીઆરપીએફ બાદ ગુજરાત રાજયમાં નવો ચિલ્લો ચાકરતા પોલીસ વડા શિવાનંદ ઝાઃ ગુજરાત પોલીસની ફ્રેમમાં ઝાનું નામ અમિટ બન્યુ

રાજકોટ, તા. ૨૮ : નિવૃત થઈ રહેલા રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ ગુજરાત પોલીસની ફ્રેમમાં પોતાનું નામ અમિટ બનાવી દીધુ છે. રાજય સરકારને ડીસીપી કમેન્ડેશન ડીસ્ક (પોલીસ વડાનો પ્રશંસા એવોર્ડ) શરૂ કરવા માટે રાજી કરી લઈ રાજય પોલીસ વિભાગના કાર્યદક્ષ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના હોંસલા બુલંદ કરવા એવોર્ડ આપવાની શરૂઆત બે દિવસ પૂર્વે કરવામાં આવી. ૧૧૦થી વધુ જુદી જુદી કેડરના અધિકારીઓ અને કર્મચારીઓને આ એવોર્ડથી પોલીસ ટ્રેનીંગ કોલેજ, ગાંધીનગર ખાતે ડીજીપી દ્વારા નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડની સૌપ્રથમ શરૂઆત શિવાનંદ ઝાના કાર્યકાળમાં થઈ તેની નોંધ ગુજરાત પોલીસના રેકોર્ડમાં કાયમી બની ગઈ છે.

હાલમાં રાજયના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે તમામ તહેવારો વખતે મહત્વના બંદોબસ્ત, કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શન વખતે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સુલઝાવવામાં પોલીસ હંમેશા ખડેપગે રહે છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ વધારવા શ્રી શિવાનંદ ઝા દ્વારા નવો પદક એનાયત કરવાની પહેલ કરવામાં આવી છે. રાજય પોલીસ વિભાગમાં ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ માટે ડીજીપી કમેન્ડેશન ડીસ્ક નામનો ખાસ પોલીસ ચંદ્રક આપવામાં આવ્યો છે.

આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, કેરલા તેમજ વિમા સુરક્ષા બળ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જેવા પેરામીલીટ્રી દળોમાં ઘણા વર્ષોથી આ પદક આપવામાં આવે છે. હવે ગુજરાત રાજય આ ચંદ્રક આપનાર ૭મુ રાજય બન્યુ છે.

અત્યાર સુધી પોલીસ અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા આપવામાં આવતા વિશિષ્ટ સેવામેડલ તથા પ્રશંસનીય સેવામેડલ સિવાય અન્ય કોઇ એવોર્ડ, પદક કે સન્માનમાં આપવામાં આવતુ ન હતું. રાષ્ટ્રપતિ શ્રીના આ એવોર્ડ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થઈ શકતો હતો. જેના કારણે કાર્યદક્ષ હોવા છતાં અનેક પોલીસ અધિકારીઓને પોતાનું સન્માન થતુ નહી હોવાનો વસવસો રહેતો હતો. આ સ્થિતિનું નિરાકરણ કરી અધિકારીઓનું મોરલ અપ કરવા માટે ડીસીપી ઝા દ્વારા સરકારને જરૂરી દરખાસ્ત કરવામાં આવી હતી. જેનો સ્વીકાર થતાં હવેથી આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવશે.

કોઈપણ કેડરના એક પોલીસ અધિકારીને એક થી વધુ વખત આ પદક આપી શકાશે. પહેલી વખત પદક મેળવનારને સિલ્વર મેડલ અને બીજી વખત આ સન્માન મેળવનારને ગોલ્ડન પદક આપવામાં આવશે. આ પદકને પોલીસ અધિકારીઓ પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકશે.

આ એવોર્ડ માટે જુદી જુદી ૯ કેટેગરીને સામેલ કરવામાં આવી છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અઘરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ કૌશલ્ય સાથેની કામગીરી, સ્વસ્છ સર્વિસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ અને કાબેલિયતને ધ્યાનમાં લઈ આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવશે.

(4:23 pm IST)