Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સ્ટ્રેચર સરખું લઈ જવાનું કહેતા દર્દીના બે સગા ઉશ્કેરાયા : સોલા સિવિલના ડોક્ટર સાથે ઝઘડો કરીને લાફો માર્યો

અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓ એક્સરે કરાવવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા

અમદાવાદ : શહેરની સોલા સિવિલમાં દર્દીના સગાને સ્ટ્રેચર સરખું લઈ જવાનું કહેતા બે સગા ઉશ્કેરાયા અને ડોક્ટર સાથે ઝઘડો કરી લાફો મારી, લાકડી વડે હુમલો પણ કર્યો હતો. આ અંગે ડોક્ટરે બંન્ને સગાઓના વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હિતેશ ચૌહાણએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રીના સમયે બે યુવકો બાઈક લઈને સોલા ભાગવત પાસેથી પસાર થતા હતા અને ત્યા અકસ્માત થતાં પડી ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેઓ એક્સરે કરાવવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક યુવક અન્યને સ્ટ્રેચર પર લઈ જતો હતો. આ સમયે સ્ટ્રેચર વાકું ચૂંકુ ચલાવતો હતો. જેથી ત્યાથી પસાર થતા ડોક્ટરે તેમને આવી રીતે સ્ટ્રેચર ના ચલાવવા માટે જણાવ્યું હતું. આ સાંભળી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ડોક્ટર સાથે ગાળો બોલીને લાફો મારી દીધો હતો એટલુ જ નહીં આ યુવકો મિત્ર પણ તેનો પક્ષ લઈને ડોક્ટરને લાકડી મારી દીધી હતી.

જો કે હોસ્પિટલનો બીજો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચતા ડોક્ટરને વધુ મારથી બચાવ્યા હતા. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મારઝુડ કરનાર હરીશ પરમાર અને જીગર પરમારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.

(12:05 am IST)