Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન પરના રેલવે ફ્લાયઓવરની પુશિંગની કામગીરી શરૂ

59 કરોડના ખર્ચે બનતા રેલવે ફલાયઓવર બ્રિજનું કામ પુરજોશમાં : ચાર મહિનામાં બ્રિજ કાર્યરત કરવાનું આયોજન

અમદાવાદ :મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સોલા સિમ્સ હોસ્પિટલ અને થલતેજના 100 ફૂટના રોડને જોડતાં અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન ઉપરના રેલવે ફ્લાયઓવરની પુશિંગની કામગીરી શરૂ કરાઇ છે. રૂ. 59 કરોડના ખર્ચે બનતા રેલવે ફલાયઓવર બ્રિજ ફાસ્ટ ટ્રેક ઉપર છે અને AMCનું ચાર મહિનામાં બ્રિજ કાર્યરત કરવાનું આયોજન છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.59.04 કરોડના ખર્ચે સોલા સિમ્સ હોસ્પિટલ અને થલતેજના 100 ફૂટના રોડને જોડતાં અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઇન ઉપરના રેલવે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કુલ લંબાઇ 727 મીટર છે. જેમાં 54 મીટરની લંબાઇનો રેલવે પોર્શન છે. 90 ટકા એપ્રોચ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે રેલવે દ્વારા તેમના પોર્શનની કામગીરી શરૃ કરવામાં આવી છે જેમાં રેલવે દ્વારા 54 મીટર લંબાઇના બે કમ્પોનેટ બનાવવામાં આવી રહ્યાં છે જે સ્ટીલ સ્ટ્રકચરના થ્રુ ટ્રસ મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

આ પોર્શન માત્ર 82 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. રેલવે વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવતાં 27 જુનના દિવસે રેલવે લાઇન ઉપર ત્રણ કલાકના બ્લોકની ફાળવણી કરી હતી જેમાં મિકેનીકલ અને પુશીંગ મેથડથી રોલ કરી ઓપન વેબ ગર્ડરને મૂળ જગ્યાએ લગાડી દેવામાં આવ્યા છે. બાકીનું કામ કરવાનું આયોજન છે. આ બ્રિજ ત્રણ ચાર મહિનામાં પૂર્ણ થઇ જાય તેવી આશા છે.

(12:03 am IST)