Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મોકલવાની કામગીરીનો પ્રારંભ

4થી જુલાઇ સુધી બોર્ડને મોકલ્યા બાદ ગુણ ચકાસણીની કામગીરી શરૂ થશે

અમદાવાદ :રાજયની શાળાઓ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મોકલવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શાળાઓ દ્વારા 4 જુલાઈ સુધીમાં બોર્ડને વિદ્યાર્થીઓના ગુણ મોકલી આપવામાં આવ્યા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુણની ચકાસણી કરશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ તમામ પાસાંઓને નજર સમક્ષ રાખીને જ બોર્ડ દ્વારા જુલાઈ માસના ત્રીજા સપ્તાહમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે પ્રમાણેની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને લાંબા સમય સુધી વિચારણાં બાદ સરકાર દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી હતી. પરીક્ષા રદ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે કમિટીની રચના કરી હતી. કમિટીએ પોતાનો અહેવાલ સુપરત કર્યા બાદ તેની પર મંજુરીની મહોર લાગી હતી અને બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબના ગુણ તથા પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોના ગુણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવાની કાર્યવાહીનો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળાઓએ 4 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે તેવી સૂચના બોર્ડ દ્વારા શાળાઓને આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના ગુણ મોકલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નિયમિત વિદ્યાર્થીઓના ગુણ તેમના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટે શાળાના ઈન્ડેક્ષ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડીનો ઉપયોગ કરી લોગીન કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મૂકવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા સ્ક્રુટીની હાથ ધરવામાં આવશે. જેમાં શાળા દ્વારા મોકલવામાં આવેલા ગુણની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની કામગીરી હાથ ધરાશે.

(11:59 pm IST)