Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઇરાદાપૂર્વકની ભૂલ-મેલાફાઇડ મિસ્ટેકસ ચલાવી લેવાશે નહી : મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટ તાકીદ

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો કે સરકાર કે અધિકારીઓ જાડી ચામડીના નહિ પરંતુ લોકોની વેદના-સંવેદના પ્રત્યે સંવેદનશીલ અને સજાગ છે. તેમના કામો ઝડપથી થાય છે અને ખોટું કરનારાઓને ચલાવી લેવામાં આવતા નથી એવો જનમાનસમાં વિશ્વાસ બેસે તેવી કાર્યપદ્ધતિ કોઇ પણ ઢિલાશ કે કચાશ વગર જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરો-ડી.ડી.ઓ પાસે અપેક્ષિત છે.

સોશિયલ મીડિયા, ઇ-મીડિયાના આજના ચેલેન્જીંગ યુગમાં કલેકટરો-વિકાસ અધિકારીઓએ જનહિત-લોકસેવાના કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને યુવા પેઢીની અપેક્ષાની એરણે ખરા ઉતરવાનું છે. લોકહિત-જનસેવાના કોઇ કામમાં બોનાફાઇડ મિસ્ટેક થઇ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ ઇરાદાપૂર્વકની ખોટી-મેલાફાઇડ મિસ્ટેકસને કયારેય ચલાવી લેવાશે નહિ. તેમણે રાજ્યનાં નાગરિકોને કાયદો વ્યવસ્થાની સલામતિ-સુરક્ષાની અનૂભુતિ થાય તે માટે ગુંડા ધારા, લેન્ડ ગ્રેબિંગ એકટ, બળજબરીથી ધર્માંતરણ-લવ જેહાદ જેવા કાયદાઓના કડક પાલન માટે પણ જિલ્લા કલેકટરોને અનુરોધ કર્યો હતો.

વિવિધ જિલ્લાઓમાં તાજેતરમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના રાજ્યભરના કલેકટરો-ડી.ડી.ઓ.ની સંયુકત એકદિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવનિયુકત થયેલા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરતાં એમ પણ જણાવ્યું કે, હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમોથી તરત લોકો સુધી પહોચી જાય છે. લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીઝની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાની આગવી સૂઝથી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્યસંસ્કૃતિ વર્કકલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવનિયુકત કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશાસૂચક ગણાવી હતી.

તેમણે કોરોના-કોવિડ-19ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓ અને ટીમ ગુજરાતની કર્તવ્યનિષ્ઠાને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ જ સ્પિરીટ અને મિશન મોડ સાથે સતત કાર્યરત રહેવા તેમણે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડયા હતા.

ગુજરાત કેડરમાં મળેલા પોસ્ટિંગની તકને કેરિયરની શરૂઆતના આ દિવસોમાં જ વધુ પ્રો-એક્ટિવ ઇફેક્ટિવ બનાવીને ગુજરાતની વિકાસ યાત્રામાં કે રાજ્યની ગુડ ગર્વનન્સ દિશામાં કોઇ ઉણપ ના આવે તે રીતે નિષ્ઠા અને ઇમાનદારીથી નિભાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું. તેમણે લોકોને સેવાઓ ઓનલાઇન મળી રહે અને કચેરીમાં ધક્કા જ ન ખાવા પડે તેવી સ્થિતિ સર્જવા સાથોસાથ યોજનાઓના અમલીકરણના લક્ષ્ય સિદ્ધ કરવા પણ તાકિદ કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ સી.એમ. ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના બધા જ ડેટા સમયસર ફિડ થાય તે માટે કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કરતાં ઉમેર્યુ કે, રિયલ ટાઇમ મોનિટરીંગ અને ડે-ટુ-ડે ડેટા ફિડીંગથી કી ઇન્ડીકેટર્સ જિલ્લાના પરફોમન્સનો આધાર છે તેને વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા છે. જિલ્લા તંત્રના આ વડાઓ અને તેમની ટીમના પરફોર્મન્સથી જ આમ જનતામાં સરકાર પ્રત્યેની ઇમેજ પરસેપ્શન બનતું હોય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં ફિલ્ડ વિઝીટ, જનસેવા કેન્દ્રોની કામગીરી વધુ વ્યાપક બનાવવા પણ તાકીદ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે આ પરિષદમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વિભાગોના નિર્ણયોની અમલવારીમાં કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા મહત્વની છે. જિલ્લાઓમાંથી ફિડબેક અને કામગીરીના સંદર્ભમાં ફોલોઅપની સુદ્રઢ વ્યવસ્થાઓની જિલ્લા તંત્રના વડા તરીકે તેમની પાસેથી અપેક્ષા હોય છે ત્યારે એમાં કોઇ ઢિલાશ ન રહે તે જરૂરી છે. આ અધિકારીઓ ફિલ્ડ વિઝીટ દરમ્યાન તેમના જિલ્લામાં ચાલતા કે પ્રગતિ હેઠળના વિકાસ કામો, માર્ગ-મકાનના કામો, CHC, PHC, સ્વચ્છતા અભિયાનના કામોની ઓચિંતિ મૂલાકાત લઇ ગુણવત્તાની અને કામગીરીની સમયાંતરે તપાસ કરતા રહેશે તો પણ સંબંધિત વિભાગોની સતર્કતા-સજ્જતા વધશે.

(9:38 pm IST)