Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રસીના સ્ટોક વગર વેક્સિનેશનની સૂચના આપતા હોબાળો :મુદત એક મહિનો વધારી આપવા વેપારી સંગઠનની માંગ

1લી જુલાઇથી સર્ટીફીકેટ નહીં તો ધંધો બંધ કરવાના નિર્ણયને મોકૂફ રાખવા રજૂઆત

અમદાવાદ : ગુજરાત સરકારે વેપારીઓ અને વ્યવસાયીઓને 30મી જૂન સુધીમાં વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે વેપારીઓ સહિત તેમના કામદારો તથા કર્મચારીઓ વેક્સિનેશન અપાવવા માટે કેન્દ્રો પર પહોંચી ગયા હતા. પરંતુ વેક્સિન મર્યાદિત પ્રમાણમાં જ હોવાથી ભારે હોબાળો મચ્યો હતો. તેને લઇને વેપારી સંગઠનોએ સરકારને વેક્સિનેશન અપાવવાની મુદત લંબાવી આપવાની માંગણી કરી છે તેની સાથે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવેસરથી વેકસિનના સ્ટોક અને આવકને નિશ્ચિત કરી સમયપત્રક જાહેર કરવા રજૂઆત કરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વેપારીઓ અને વ્યવસાયીઓની વ્યાખ્યા ખૂબ જ વ્યાપક છે અને એ લક્ષ્ય સિદ્ધ કરવાની ઝુંબેશ ચલાવવી જરૂરી છે અને સમગ્ર રાજ્યનો વેપારી સમાજ સક્રિય રીતે જોડાશે. ગુજરાતના વેપારીઓએ હમેંશા સમાજસેવામાં સાથ આપ્યો છે તેવી ઉજ્જવળ પરંપરા છે. રાજ્યના દરેક નાના મોટા શહેરોમાં વેપારી એસોસિએશન તથા વેપારીઓ સંચાલિત તમામ સેવાભાવી સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ કે શાળાઓ અત્યારે વેક્સિન માટે સરકારના વિભાગોના જાગૃતિ માટેના આયોજન સાથે કાર્યરત છે . કોરોના મહામારીના લોકડાઉન દરમ્યાન સમાજના સ્વાસ્થ્ય માટે પોતાના વેપાર બંધ રાખી, આજીવિકાનો ભોગ આપીને સંપૂર્ણ સહકાર વેપારીઓએ આપ્યો જ છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું છે કે, આ જાહેરનામા મુજબ વેકસિનેશન માટે મુદત જાહેર કરી છે. તે અત્યારના સંજોગોમાં વાસ્તવિકતાથી પર છે. વેકસીનેશનની અછત છે. વેપારીઓ, વ્યવસાયીઓ તથા પ્રજાજનો વેકસિન માટે બહોળી સંખ્યામાં વિવિધ મથકોએ ઉમટે છે પરંતુ સ્ટોકની અછતના કારણે વિકસીનથી વંચિત રહી છે . નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ  પટેલે ગઈકાલે જાહેરમાં દિલગીરી વ્યક્ત કરેલ છે.

કેન્દ્ર સરકારે પણ અગાઉની જાહેરાત મુજબનો જથ્થો પૂરો પાડવાની અશક્તિ પ્રદર્શિત કર્યાનું વર્તમાન પત્રોમાં જાહેર થયેલ છે. આ પરિસ્થિતિમાં સરકાર, મહાજનો અને નાગરિકો બધા જ સામુહિક પ્રયત્નો કરીએ તો પણ સમયબદ્ધ લક્ષય સિદ્ધ કરવાનું અશક્ય લાગે છે , તેવા સમયે જે વેપારીઓ અમુક સમય મર્યાદામાં વેકસીનેશન લેવા અસમર્થ બને તેમને દુકાન ખોલવા દેવામાં નહિ આવે તેવી જાહેરનામાની જોગવાઈ ગેર વ્યાજબી છે, અને તે કાર્યવાહી ટાળવી જોઈએ તે માટે વિનંતી છે. નિયમનની કે દંડની પ્રક્રિયા કરનારા કર્મચારી દ્વારા સત્તાના અતિરેકના અનેક કિસ્સાઓ અગાઉ લોકડાઉન દરમ્યાન પણ અનુભવાય છે. દુકાનો કે વ્યવસાય બંધ કરવામાં આવશે તે પ્રકારના દંડની જોગવાઈ ના હોવી જોઈએ.

જયારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે જણાવ્યું છે કે, વેપાર ધંધા આ મહામારીને કારણે આંશિક લોકડાઉન પછી હાલમાં જ પાછાં શરૂ થયા છે. બીજીબાજુ વેકસીન મેળવવા હજી થોડી મુશ્કેલીઓ પડી રહી છે. તેથી આવા સંજોગોમાં 1લી જુલાઇ સુધીમાં વેકસીન ન લઇ શકવાના કારણે તેમને તેમની પ્રવુત્તિ ચાલુ રાખવા દેવામાં નહીં આવે તો તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે તેમ જ આ કારણે બેરોજગારી પણ સર્જાશે. તેથી વેપાર-ધંધા માટે તા.1લી જુલાઇથી વેકસિન સર્ટીફીકેટ ફરજિયાત કરવાના નિર્ણયને એક મહિના માટે મોકૂફ રાખવા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે.

(9:35 pm IST)