Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યની આંગણવાડીના ૧૪ લાખથી વધુ બાળકોને ૨૯ મી જૂને ગણવેશ વિતરણ કરાશે

ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનો સમારોહ ડિજિટલ માધ્યમથી યોજાશે : અન્ય મહાનુભાવો સંબંધિત જિલ્લા મથકોએથી સહભાગી થશે

અમદાવાદ :રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીના ૧૪ લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે તા. ૨૯/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે ગાંધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા યોજાશે. અન્ય મહાનુભાવો સંબંધિત જિલ્લા મથકોએથી સહભાગી થશે એમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

  યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ રાજયકક્ષાનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશ્નર શ્રી કે.કે. નિરાલા સ્વાગત પ્રવચન કરશે તથા આઇ.સી.ડી.એસ.ના નિયામકશ્રી ડી.એન.મોદી આભારવિધિ કરશે.
  ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં મંત્રીઓ અને મહાનુભાવોની હાજરીમાં કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન થાય તેવી વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાશે.
  મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત ગાંધી જંયતિ-૨૦૨૦ નિમિતે યોજાયેલ હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં વેબ લિંક દ્વારા એક સાથે પાંચ લાખ લોકો જોડાયા હતા તે રેકોર્ડ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાશે. 

(7:44 pm IST)