Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરા: પાડોશી યુવતી સાથે લગ્ન કરવા માટે બે સંતાનના પિતાએ પત્ની સાથે છૂટાછેડા લેવા દબાણ કરી ત્રાસ આપતા ગુનો દાખલ

વડોદરા: શહેર નજીક આશાપુરી ગામમાં રહેતી પરિણીતાએ સુરતમાં પુણા ગામે શાંતિનગર સોસાયટીમાં રહેતા પતિ મહેશ મનવીર, સસરા હિંમતભાઇ, સાસુ સુધાબેન અને જેઠ હિતેશભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૧૦ વર્ષ પહેલાં થયા હતાં. લગ્નના ત્રણ વર્ષ સારી રીતે પસાર થયા બાદ પતિ તેમજ સાસરિયાઓ પિયરમાંથી દહેજ લાવવા માટે દબાણ કરતા હતાં. પતિને પાડોશમાં રહેતી રુપાલી નામની યુવતી સાથે આડાસંબંધની વાત જાણવા મળતા આ અંગે જ્યારે પતિને પૂછ્યું  ત્યારે કોઇ જવાબ આપ્યો ન હતો જેથી સાસુ, સસરા અને જેઠને વાત કરતા તેમણે ઉશ્કેરાઇને મારી સાથે ઝઘડો કર્યો હતો અને અમારે તો તને છૂટાછેડા આપી રુપાલીને ઘરમાં લાવવાની છે તેમ કહ્યું હતું.

સાસરિયાઓએ અગાઉ પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકતા બે પુત્રોને લઇને પિયરમાં જતી રહી હતી. સાત માસ પિયરમાં રહી પરંતુ સાસરીમાંથી કોઇ તેડવા નહી આવતા ફેમિલિ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે બાદમાં સમાધાન થતા સાસરિયાઓ ફરી તેડી ગયા  હતાં. બે-ત્રણ માસ સારી રીતે રાખ્યા બાદ ફરી હેરાન કરવાનું શરૃ કર્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ સુધી ત્રાસ આપ્યા બાદ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા હું પિયરમાં ફરી આવી ગઇ હતી. તા.૭ જૂનના રોજ સાસરિમાંથી ગાડી લઇને રાત્રે આવીને સાસરિયાઓએ મારી તેમજ ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા ગ્રામજનો ભેગા થઇ જતા સાસરિયાઓ ભાગી ગયા હતાં. 

(5:55 pm IST)