Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ડાકોરમાં પૂનમ પછીના રવિવારે અડધા લાખથી વધુ ભક્તોએ કાલીયા ઠાકોરના દર્શન કર્યા

ખેડા:જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારે અડધા લાખથી વધુ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. કોરોનાના અનલોક બાદ પૂનમ પછીનો પહેલો રવિવાર હોવાથી ડાકોરમાં ભક્તિનો સાગર ઘૂઘવતો જોવા મળ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કોરોનાના પ્રતિબંધો હળવા થતાં ડાકોરમાં ભક્તોની ફરી ભીડ ઉમટતા ડાકોરવાસી અને વેપારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. રવિવારે ડાકોરમાં ૭૦થી ૭૫,૦૦૦ શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કર્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાતભરના મહાનગરોમાંથી આવેલા ભક્તો ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કરીને ગળતેશ્વર તરફ મહી નદીમાં ન્હાવા જતા જોવા મળ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પૂનમ પછીના ત્રણે ત્રણ દિવસ ડાકોરમાં ભારે ભીડ હતી. જોકે રવિવાર હોવાથી આજે વિશેષ ભીડ જોવા મળી હતી. નગરમાં ફરી ભીડ જામતા વેપારીઓના ચહેરા પર રોનક છવાઈ હતી અને નાનામાં નાના વેપારીઓએ પણ હજારો રૂપિયાનો વેપાર કર્યો હતો. જ્યારે પ્રસાદીઓના વેપારીઓએ ઘણા દિવસો પછી સારો વેપાર કર્યો હતો.

(5:43 pm IST)